વર્ષ ૨૦૨૫-૨૬માં રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ખાનગી શાળાઓમાં ધો-૧માં પ્રવેશ મેળવવા માટેની આવક મર્યાદામાં શહેરો માટે ૪ ગણો અને ગ્રામ્ય માટે ૫ ગણો વધારો કરી ૬ લાખ કરવાનો નિર્ણય ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. જેનાથી માસિક પચાસ હજાર રૂપિયાની આવક ધરાવનાર લોકોને તેનો લાભ મળી શકે. સારી વાત છે. આવક મર્યાદા વધવાને કારણે લાખો રૂપિયા ફી લેતી ખાનગી શાળાઓમાં પ્રવેશ ઇચ્છુકની સંખ્યામાં ખૂબ મોટો વધારો થવાની શક્યતા છે. ઉપરાંત આ નિર્ણયને કારણે કદાચ આવકના ખોટા દાખલા રજૂ કરવાના કિસ્સાઓનો ઘટાડો થવાની શક્યતા છે.
પરંતુ RTE એક્ટ હેઠળ ૨૫% પ્રવેશ આપવાની મર્યાદામાં કોઈ વધારો ન થવાને કારણે પ્રવેશ ઇચ્છુક અરજી કરનારની સંખ્યામાં ઘણો વધારો થવા છતાં લાભ લેનારની સંખ્યામાં કોઈ જ વધારો થવાની શક્યતા નથી. તેથી વહીવટી કામગીરીમાં ખાસ્સો વધારો થશે, એટલું જ નહીં પ્રણાલીમાં લાગવગ, ભ્રષ્ટાચાર સહિત અનેક દૂષણો ઘર કરી જાય એવું પણ બની શકે છે. “બળિયાના બે ભાગ” કહેવત સાર્થક ન થાય અને RTE એક્ટનો મૂળભૂત ઉદ્દેશ – “ખરેખર જરૂરિયાતમંદ, ગરીબ, વંચિત અને લાયક વિદ્યાર્થીને પ્રવેશ મળે” એ સિધ્ધ થાય એવી અપેક્ષિત કામગીરીની રાજય સરકાર અને શિક્ષણ વિભાગ પાસે આશા-અપેક્ષા.
સુરત – મિતેશ પારેખ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
