ઘણાં ઇતિહાસકારોએ એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે 15 ઓગસ્ટ 1947ના રોજ, ભારતને આઝાદી મળી તેનાં એક દિવસ પહેલા, RSSના મુખપત્ર ‘ઓર્ગેનાઇઝર’માં લખાયું હતું કે ‘ભાગ્યને કારણે સત્તામાં આવેલાં લોકો ભલે આપણાં હાથમાં તિરંગો પકડાવી દે, પણ હિન્દુઓ તેનું ક્યારેય સન્માન નહીં કરે અને અપનાવશે પણ નહીં.’
માર્ચ મહિનાના છેલ્લાં દિવસો વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે ‘શાળામાં પાછા ફરવાનો’ સમય હતો. કારણ કે આ સમયે પ્રધાનમંત્રી નાગપુરમાં હતા. નાગપુરમાં એટલે કે મહાલ રોડ પર સ્થિત RSS (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) મુખ્યાલયમાં. આ દિવસ સંઘ માટે પણ ખાસ હતો. કારણ કે, એક સમયે તેમનાં છાંયડા નીચે ઉગેલો એક છોડ દેશના સૌથી શક્તિશાળી વૃક્ષ બન્યાના 11 વર્ષ પછી, તે પહેલી વાર તે ભૂમિ પર પાછા ફર્યા હતા. જે ભૂમિએ શરૂઆતના દિવસોમાં એ છોડને પોષણ આપ્યું હતું. પણ, આ વિશાળ વૃક્ષને બનાવનાર એ ભૂમિનો ઇતિહાસ શું છે? તેનું બીજ કોણે રોપ્યું? તેના મૂળને ખાતર અને પાણી કોણે આપ્યું?
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સામાન્ય રીતે RSS અથવા સંઘ તરીકે ઓળખાય છે, એ એક હિન્દુ રાષ્ટ્રવાદી સંગઠન છે જેની સ્થાપના ડૉ. કેશવ બલિરામ હેડગેવાર દ્વારા 1925માં નાગપુર, મહારાષ્ટ્રમાં કરવામાં આવી હતી. હેડગેવાર હિન્દુ રાષ્ટ્રવાદી વિચારક વિનાયક દામોદર સાવરકરના વિચારોથી પ્રભાવિત હોવાનું માનવામાં આવે છે. થોડા સમય માટે કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા પછી, હેડગેવારે વૈચારિક મતભેદોને કારણે કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી અને સંઘની સ્થાપના કરી હતી, આવું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પરિચયમાં માધવ ગોવિંદ વૈદ્ય લખે છે.
સંઘને ઘણીવાર વિશ્વનું સૌથી મોટું સ્વૈચ્છિક સંગઠન કહેવામાં આવે છે, પરંતુ RSS સાથે કેટલાં લોકો જોડાયેલા છે તેનો કોઈ સત્તાવાર આંકડો ઉપલબ્ધ નથી. તાજેતરમાં જ સંઘના એક નેતાએ કહ્યું હતું કે દેશમાં લગભગ એક કરોડ સ્વયંસેવકો છે. RSS પોતાને એક બિન-રાજકીય સાંસ્કૃતિક સંગઠન તરીકે વર્ણવે છે, પરંતુ રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJપી) ના ‘રક્ષક’ ની ભૂમિકા ભજવે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કોઈ નોંધાયેલ કે સહી થયેલ સંગઠન નથી. આ કારણોસર ઘણીવાર એવી ટીકા કરવામાં આવે છે કે પારદર્શિતા અને જવાબદારીનો અભાવ છે.
એવો પણ આરોપ છે કે સંઘના ભંડોળ અંગે કોઈ પારદર્શિતા નથી, કારણ કે સંઘ આવકવેરા રિટર્ન ફાઇલ કરતું નથી. સંઘ કહે છે કે તે એક આત્મનિર્ભર સંગઠન છે અને તેના કાર્ય માટે સંસ્થાની બહારથી કોઈ પૈસા લેવામાં આવતા નથી, ભલે તે સ્વેચ્છાએ આપવામાં આવે. સંઘ એવો પણ દાવો કરે છે કે તે ભગવા ધ્વજને પોતાનો ગુરુ માનીને વર્ષમાં એકવાર સંઘના સ્વયંસેવકો જે ગુરુદક્ષિણા આપે છે તેના દ્વારા તે પોતાનો ખર્ચ ઉઠાવે છે.
સંઘ એમ પણ કહે છે કે તેના સ્વયંસેવકો ઘણી સામાજિક સેવા પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે અને તેમને સમાજ તરફથી મદદ મળે છે અને આ સામાજિક કાર્યો માટે, સ્વયંસેવકોએ ટ્રસ્ટ બનાવ્યા છે જે પૈસા એકત્રિત કરે છે અને કાયદાના દાયરામાં રહીને તેમના ખાતા ચલાવે છે.
ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટીએ અયોધ્યામાં કેટલાક વિવાદાસ્પદ જમીન સોદાઓના સંદર્ભમાં RSSના રજીસ્ટર ન હોવા અને આવકવેરાના દાયરાની બહાર હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. RSS અનુસાર, તે એક સાંસ્કૃતિક સંગઠન છે જેનો ઉદ્દેશ્ય હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ એકતા અને આત્મનિર્ભરતાના મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો છે.
સંઘ કહે છે કે તે રાષ્ટ્રીય સેવા અને ભારતીય પરંપરાઓ અને વારસાના સંરક્ષણ જેવા મુદ્દાઓ પર ભાર મૂકે છે. બિન-રાજકીય હોવાના દાવા છતાં, સંઘના ઘણા લોકો ચૂંટણી રાજકારણમાં સક્રિય રહ્યા છે. તેમાં ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીથી લઈને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુધીના ઘણાં નામોનો સમાવેશ થઈ શકે છે.
સંઘના અખિલ ભારતીય પ્રચાર વડા સુનિલ આંબેકરે તેમના પુસ્તક ‘RSS: રોડમેપ ફોર ધ 21st સેન્ચૂરી’માં કહ્યું છે કે સંઘ સમાજ પર શાસન કરતી એક અલગ શક્તિ બનવા માગતો નથી અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજને મજબૂત બનાવવાનો છે. આ જ પુસ્તકમાં આંબેકર લખે છે કે ‘સંઘ સમાજ બનેગા’ એક સૂત્ર છે જે RSSમાં વારંવાર ઉઠાવવામાં આવે છે. વર્તમાન સરસંઘચાલક મોહન ભાગવત કહે છે કે સંઘ ‘એક વ્યવસ્થા છે અને બીજું કંઈ નથી’. તેમના મતે, RSS’ વ્યક્તિત્વ વિકાસ માટે કામ કરે છે’.
હવે સંઘની શાખાઓ વિશે વાત કરીએ તો, શાખા સંઘનું મૂળભૂત સંગઠનાત્મક એકમ છે, જે તેને પાયાના સ્તરે મોટી હાજરી આપે છે. શાખા એ એવી જગ્યા છે જ્યાં RSS સભ્યોને વૈચારિક અને શારીરિક રીતે તાલીમ આપવામાં આવે છે. મોટાભાગની શાખાઓ દરરોજ સવારે અને ક્યારેક સાંજે કાર્યરત હોય છે. કેટલાક વિસ્તારોમાં આ શાખાઓ અઠવાડિયામાં થોડા દિવસ કાર્યરત હોય છે.
RSS મુજબ, ભારતમાં 83 હજારથી વધુ શાખાઓ છે. આ શાખામાં શારીરિક કસરતો અને રમતો તેમજ ટીમવર્ક અને નેતૃત્વ કૌશલ્ય સુધારવા માટે રચાયેલ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે અને કૂચ અને સ્વ-બચાવ તકનીકો પણ શીખવવામાં આવે છે. સંઘના સભ્યોને શાખામાં જ વૈચારિક શિક્ષણ આપવામાં આવે છે. આ શાખામાં જ તેમને હિન્દુત્વ, હિન્દુ રાષ્ટ્રવાદ અને RSSના અન્ય મૂળભૂત સિદ્ધાંતો વિશે શીખવવામાં આવે છે. RSS દેશભરમાં પોતાની હાજરી વધારવા અને જાળવી રાખવા માટે શાખાઓ પર આધાર રાખે છે.
અત્યાર સુધી સંઘમાં છ સરસંઘચાલક રહી ચૂક્યા છે. સંઘના સ્થાપક, ડૉ. કેશવ બલિરામ હેડગેવાર સંઘના પ્રથમ સરસંઘચાલક હતા, જેમણે 1925 થી 1940 સુધી આ પદ સંભાળ્યું હતું. 1940માં હેડગેવારના નિધન પછી, માધવ સદાશિવરાવ ગોલવલકર સંઘના બીજા સરસંઘચાલક બન્યા હતા અને 1973 સુધી આ પદ પર રહ્યા હતા. 1973માં ગોલવલકરના અવસાન પછી, બાળાસાહેબ દેવરસ સરસંઘચાલક બન્યા હતા અને 1994 સુધી આ પદ પર રહ્યા હતાં. 1994માં બગડતી તબિયતને કારણે, દેવરાસે રાજેન્દ્ર સિંહ (રાજુ ભૈયા)ને તેમના ઉત્તરાધિકારી તરીકે નિયુક્ત કર્યા હતા. રાજેન્દ્ર સિંહ વર્ષ 2000 સુધી સંઘના સરસંઘચાલક રહ્યા હતા.
વર્ષ 2000માં કે.એસ. સુદર્શન સંઘના નવા સરસંઘચાલક બન્યા હતા અને 2009 સુધી આ પદ પર રહ્યા હતા. વર્ષ 2009માં સુદર્શને મોહન ભાગવતને તેમના ઉત્તરાધિકારી તરીકે પસંદ કર્યા હતા. ભાગવત સંઘના છઠ્ઠા સરસંઘચાલક છે. સંઘમાં સરસંઘચાલકની પસંદગી માટે કોઈ પ્રક્રિયા અનુસરવામાં આવતી નથી અને આ માટે તેની ટીકા પણ થાય છે. ડૉ. હેડગેવાર પછી સરસંઘચાલક બનેલા બધા સરસંઘચાલકોની નિમણૂક તેમના પહેલા સરસંઘચાલક દ્વારા કરવામાં આવી હતી. સરસંઘચાલકનો કાર્યકાળ આજીવન હોય છે અને તેઓ પોતાના ઉત્તરાધિકારીની પસંદગી કરે છે.
મોહન ભાગવત કહે છે કે આ એટલા માટે છે કારણ કે ‘ડૉ. હેડગેવાર અને ગોલવલકર જેવા મહાન પુરુષો દ્વારા સંભાળવામાં આવેલા હોદ્દા આપણા માટે આદરનો વિષય છે.’
ભારતીય બંધારણ, રાષ્ટ્રધ્વજ અને જાતિ વ્યવસ્થા અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારોની ઘણીવાર ટીકા કરવામાં આવી છે. સ્વતંત્રતાથી લઈને અત્યાર સુધી, જુદા જુદા પ્રસંગોએ, સંઘે આ ત્રણ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ઘણી વખત પોતાના વિચારો બદલ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ભારતના બંધારણ સાથેનો સંબંધ ઘણો જટિલ રહ્યો છે. RSSના બીજા વડા માધવ સદાશિવરાવ ગોલવલકર તેમના પ્રખ્યાત પુસ્તક ‘બંચ ઓફ થોટ્સ’માં લખ્યું છે, આપણું બંધારણ પણ પશ્ચિમી દેશોના વિવિધ બંધારણોના વિવિધ કલમોનું એક બોજારૂપ અને વિજાતીય સંયોજન છે. તેમાં એવું કંઈ નથી જેને આપણું પોતાનું કહી શકાય. શું તેના માર્ગદર્શક સિદ્ધાંતોમાં એક પણ સંદર્ભ છે કે આપણું રાષ્ટ્રીય મિશન શું છે અને જીવનમાં આપણું મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ના! ઘણા ઇતિહાસકારોએ એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે 15 ઓગસ્ટ 1947ના રોજ, ભારતને આઝાદી મળી તેના એક દિવસ પહેલા, RSSના મુખપત્ર ‘ઓર્ગેનાઇઝર’ માં લખ્યું હતું કે ‘ભાગ્યને કારણે સત્તામાં આવેલા લોકો ભલે આપણાં હાથમાં તિરંગો પકડાવી દે, પણ હિન્દુઓ તેનું ક્યારેય સન્માન નહીં કરે અને અપનાવશે પણ નહીં.’

