ડભોઇ: વસોના પીજ ગામે રહેતા સોફ્ટવેર એન્જિનીયરે કોરોના મહામારીના કારણે નોકરી ગુમાવી હતી. જેને પગલે પરિવારના ભરણ પોષણ માટે બે શખ્સ પાસેથી રૂ.૧.૧0 લાખ વ્યાજે લીધા હતા. જેના વ્યાજ પેટે રૂ.આઠ લાખ ભરપાઇ કરવા છતાં વધુ રકમની માગણી કરી ધાક ધમકી આપતાં યુવકે ઝેરી દવા પીતા ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે તેણે ત્રણ વ્યાજખોર સામે આંગળી ચીંધી હતી.
વસો તાલુકાના પીજ ગામમાં બંસરીવીલા સોસાયટીમાં રહેતા કાર્તિકભાઇ નાગરાજન ઐયર (ઉ.વ.30) વડોદરાની કંપનીમાં બિટ઼ેક ઇજનેર તરીકે ફરજ બજાવતાં હતાં. જોકે, લોકડાઉનમાં તેમની નોકરી છુટી ગઈ હતી. જેને કારણે પરિવારના ભરણ પોષણ માટે તેમણે ઓગષ્ટ-2020માં અર્પીત કમલકાંત યાદવ પાસેથી રૂ.૯૦ હજાર વ્યાજે લીધા હતા.
જેના વ્યાજ પેટે અત્યાર સુધીમાં રૂ. ૬ લાખ ચુકવવા છતાં વ્યાજખોર શખ્સની વધુ છ લાખ આપવા માગણી ઉભી જ હતી. આ ઉપરાંત કાર્તિકભાઈએ ભોપાભાઈ પરમારની ભલામણથી વિક્રમ મારવાડી (ભયલુ મારવાડી) પાસેથી વધુ ૨૦ હજારની રકમ લીધી હતી.
પરંતુ તેમાં પણ તેણે અઢી લાખ રૂપિયા ચુકવ્યાં છતાં હજુ ઉઘરાણી ચાલુ જ રહી હતી. આખરે કંટાળી કાર્તિકે બુધવારે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તબિયત લથડી હતી. જેને પગલે તેને સારવાર માટે નડિયાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રકમ નહીં ચુકવે તો કિડની કાઢી લેવા ધમકી આપી
કાર્તિકના ઘરે વારંવાર આવતા વ્યાજખોરો ધાક ધમકી આપતાં હતાં. તાજેતરમાં જ આ વ્યાજખોરોએ પુરેપુરી રકમ ન ચુકવે તો કિડની કાઢી લેવાની ધમકી આપી હતી. આ ઉપરાંત તેના પરિવારમાં માતા, પત્ની અને પુત્રીને નુકશાન પહોંચાડવાનો ડર બતાવતાં હતાં. આ વ્યાજખોરોને નાણા ચુકવવા માટે દાગીના, ટીવી, એસી, મોબાઇલ સહિતની ઘર વપરાશની વસ્તુ પણ વેંચી દેવી પડી હતી.
મોડુ થાય તો વધુ ૫૦ હજાર ચુકવવા પડતાં
કાર્તિક ઐયરે જણાવ્યું હતું કે, અર્પીત યાદવ પાસેથી લીધેલી રકમ પેટે મોટું વ્યાજ ચુકવવું પડતું હતું. જેમાં એક અઠવાડીયું વ્યાજ ચુકવવામાં મોડું થાય તો રૂ.50 હજાર ચુકવવા પડતાં હતાં. આ ઉપરાંત વિક્રમ મારવાડી પાસેથી લીધેલા 20 હજારમાં દસ દિવસનું વ્યાજ જ રૂ.10 હજાર ચુકવવું પડતું હતું.