આણંદ : પેટલાદ શહેરના મલાવ ભાગોળ ખાતે રહેતી પરિણીતાને તેના સાસરિયાએ પિયરમાંથી રૂ.5 લાખ લાવવા દબાણ કરી ત્રાસ આપી પિયર મોકલી આપ્યાં હતાં. આ અંગે પરિણીતાએ પતિ, સાસુ અને સસરા સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પેટલાદના કાજીવાડ ખાતે રહેતાં ઇમ્તીયાઝોદ્દીન કાઝીની પુત્રી હુસ્નાબાનુના લગ્ન 2017માં પેટલાદના જ મલાવ ભાગોળમાં રહેતા મહંમદજાવેદ હસીનોદ્દીન કાઝી સાથે થયાં હતાં. આ લગ્ન જીવન દરમિયાન તેમને ચાર વરસનો પુત્ર છે. જોકે, લગ્ન બાદ શરૂઆતમાં શાંતિથી ચાલ્યા બાદ એકાદ વર્ષ થતાં સાસુ – સસરાએ ઘરકામ બાબતે મ્હેણાં ટોણાં મારવાનું શરૂ કરી દીધું હતું. આ ઉપરાંત તારા બાપે લગ્નમાં દહેજમાં કંઈ આપ્યું નથી. તેમ કહી મારઝુડ કરી ત્રાસ આપવા લાગ્યાં હતાં. ઘરસંસાર ન બગડે તે માટે હુસ્નાબાનુ મુંગા મોંઢે ત્રાસ સહન કરી રહ્યાં હતાં.
બીજી તરફ પતિએ પણ ત્રાસ આપતા જણાવ્યું હતું કે, તુ તારા પિતાના ઘરેથી પૈસા લઇ આવ. મારે બીજા લગ્ન કરવાના છે, તેમ કહી મારઝુડ કરવા લાગ્યો હતો. તેમાંય એકાદ વર્ષ પહેરેલા કપડે કાઢી મુક્યાં હતાં. આખરે હુસ્નાબાનુના પિતા અને ભાઇ સમજાવવા તેના સાસરિમાં ગયાં હતાં. પરંતુ તેઓને અપશબ્દ કહ્યાં હતાં અને જણાવ્યું હતું કે, મારા દિકરા સાથે રહેવું હોય તો ઘરેથી ટીવી, ઘરઘંટી, ફ્રિઝ, મોટર સાયકલ તથા રોકડા રૂ.5 લાખ લઇને આવજે. તેમ કહેતા તેઓ પરત જતાં રહ્યાં હતાં. આખરે આ અંગે હુસ્નાબાનુએ પેટલાદ ટાઉન પોલીસ મથકે પતિ મહંમદજાવેદ હસીનોદીન કાઝી, હસીનોદીન નસીરોદીન કાઝી અને રાબીયાબાનુ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.