આણંદ : પેટલાદના બાંધણીના લખાપુરામાં રહેતા જયંતીભાઈ ઇશ્વરભાઈ તળપદા ખેતી કામ કરી જીવન ગુજારે છે. તેઓ 15મી ડિસેમ્બરના રોજ રાત્રિના જમી પરવારી નવા મકાન ખાતે સુવા ગયાં હતાં. આ સમયે તેમનું જુનું મકાન બંધ હતું. દરમિયાનમાં વ્હેલી સવારે જાગીને જોયું તો જુના ઘરના દરવાજા ખુલ્લા હતા અને તાળા તુટેલાં હતાં. જુના ઘરની ઓસરીના દરવાજા ઉપર લગાવેલું તાળું નીચે પડેલું હતું.
અંદરની રૂમમાં જઇ જોતા કબાટના કપડા વેર વિખેર પડ્યાં હતાં. છેલ્લી રૂમમાં તિજોરી તુટેલી હતી. આ ઉપરાંત સોના – ચાંદીના દાગીના, રોકડા રૂ.10 હજાર ચોરી કરી ગયાં હતાં. જ્યાંથી બહાર નિકળી એક જ દિવાલે આવેલા બીજા ઘરમાં જોતા દરવાજાની સાંકળ તુટેલી હતી અને અંદરની રૂમમાં પ્રવેશ કરી જોતા સરસામાન વેર વિખેર હતો. જ્યાં સ્ટીલના ડબ્બામાં મુકેલા રોકડા રૂ.15 હજાર ચોરાયાં હતાં. આમ દાગીના અને રોકડ સહિત કુલ રૂ.43 હજારની મત્તા કોઇ શખસ ચોરી ગયો હતો. આ અંગે મહેળાવ પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધ્યો હતો.
આણંદ પાસે ટ્રેનમાંથી મુસાફરનું પર્સ ચોરાયું
પશ્ચિમ બંગાળના ખતરપલ્લી મેદાનીપુરમાં રહેતા દેવાશીષ હિમાંશુ કાંડાર 3જી ડિસેમ્બર,22ના રોજ પોરબંદર સુપર ફાસ્ટ ટ્રેનમાં પરિવાર સાથે મુસાફરી કરી રહ્યાં હતાં. તેઓ શાલીમારથી અમદાવાદ જવા માટે કોચ નં.એ-2 કોચમાં પત્નિ સાથે અમદાવાદ આવી રહ્યાં હતાં. આ મુસાફરીમાં તેઓ સુઈ ગયાં હતાં. 5મી ડિસેમ્બરના રોજ સવારના આંખ ખુલી તો આણંદ રેલવે સ્ટેશન આવ્યું હતું. જોકે, આ સમયે તેમના પત્નીએ જણાવ્યું કે, લેડીઝ હેન્ડ બેગ કાળા કલરની સીટ પર નથી. જેથી આસપાસમાં તપાસ કરતાં પેસેન્જર, એટેન્ડન્ટ તથા ટીટીને પણ આ કાળા કલરની હેન્ડ બેગ બાબતે પુછપરછ કરી હતી. પરંતુ બેગ મળી આવી નહતી. આ બેગમાં ઘરની ચાવી, મોબાઇલ, રોકડા રૂ.25 હજાર મળી કુલ રૂ.38,500ની મત્તા હતી. જે કોઇ શખસ કરી ગયો હતો. આ અંગે રેલવે પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોંધ્યો હતો.