આણંદ : આણંદ પાલિકા સમાવિષ્ટ બાકરોલ ઝોન વિભાગમાં વડતાલ રોડ પર આવેલા તળાવનું આજથી અઢી વર્ષ પહેલાં નાયબ મુખ્યમંત્રીની 4.5 કરોડની ગ્રાંટ હેઠળ બ્યુટીફીકેશન કામ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તળાવની ચારેબાજુ દીવાલ, ત્રણ ગેટ, મોર્નિંગ વોક માટેની જગ્યા, સિનિયર સિટીઝનને બેસવાની વ્યવસ્થા, બાળકો માટે રમત ગમતના સાધન, શારીરિક કસરત માટેની જગ્યા વગેરે ફાળવવામાં આવી હતી. પરંતુ પાલિકાના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી બ્યુટીફીકેશનમાં સુવિધાના નામે શૂન્ય જોવા મળ્યું હતું.
બાકરોલ ખાતે આવેલા તળાવને કોન્ટ્રાક્ટર દ્વારા વધુ ઉંડું કરીને ચારેબાજુની અડધી દિવાલને જાળી ફીટ કરવામાં આવી છે. તેમજ મુખ્ય દરવાજાની આજુબાજુ એલ.ઈ.ડી નાખવામાં આવી છે. બાદમાં કોન્ટ્રાક્ટર દ્વારા તળાવની કોઈપણ કામગીરી કરવામાં ન આવતાં તળાવની હાલત બદતર બની છે. ચોમાસા પહેલા તળાવની બાજુનો કાંસ સાંકડો હોવાથી નવો બનાવવામાં આવ્યો છે. આ કામ દરમિયાન પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા કાંસનું ગંદુ પાણી તળાવમાં ઠલાવતા તળાવનું પાણી દૂષિત થયું છે. ચોમાસાની સિઝન હોવાથી હાલ સમગ્ર તળાવમાં જંગલી કુંભવેલ ઉગી નીકળી છે. જોકે, બ્યુટીફીકેશન બાજુ પર રહીને તળાવની હાલત જૈસૈ થૈ વૈસે રહી છે. આણંદ પાલિકાના આવા અણઘણ નિર્ણય સંદર્ભે તળાવ આસપાસ રહેતા રહિશોએ ફિટકારની લાગણી વ્યક્ત કરી છે.
કુંભવેલ કાઢવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે
આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર ગૌંરાગ પટેલે જણાવ્યું હતું કે, તળાવમાંથી કુંભવેલ કાઢવા માટે ટેન્ડર પાસ કરવા અંગે આગામી બોર્ડની કમિટીમાં નિર્ણય લેવામાં આવશે. જોકે આ અંગે ખર્ચ બે લાખ રૂપિયા જેવા થશે. જેના કારણે નિર્ણય પાલિકાની બેઠકમાં સર્વાનુમતે લેવામાં આવશે.
પાલિકાના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર
બાકરોલ ખાતે આવેલ નવીન તળાવ બ્યુટીફિકેશનમાં કોન્ટ્રાક્ટર દ્વારા મોટાભાગે ભ્રષ્ટાચાર થયો હોવાનું પૂર્વ કાઉન્સલર અલ્પેશ પઢિયારે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, અઢી વર્ષ અગાઉ બાકરોલ તળાવનું બ્યુટીફિકેશન નાયબ મુખ્યમંત્રીની 4.5 કરોડની ગ્રાન્ટમાંથી હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ પાલિકાના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરની મીલીભગતના કારણે તળાવનું કામ પૂર્ણ થયું નહતું અને સુવિધાના નામે શુન્ય જોવા મળ્યું હતું. વર્ષો પહેલા જે તળાવની પરિસ્થિતિ હતી તે જ જોવા મળી રહી છે. સમગ્ર તળાવમાં જંગલી કુંભ વેલ ઉગી નીકળી છે. જોકે આગામી સમયમાં તળાવના કોન્ટ્રાક્ટર અને પાલિકાના સત્તાધીશોની મિલીભગતના કારણે થયેલા ભ્રષ્ટાચાર અંગે મ્યુનિસિપલ કમિશનરની કચેરી, વડોદરા ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવશે. તેમ છતાં પણ જો કોઈ નિર્ણય લેવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.