Comments

૧૦૦૦ કરોડનો ભ્રષ્ટાચાર માફ!

મહારાષ્ટ્રમાં ભાજપ -મહાયુતિના ભવ્ય વિજય બાદ સરકાર રચાઈ ગઈ છે પણ સરકાર રચાઈ કે તુરંત એક ખબર આવ્યા એ બહુ નિરાશાજનક છે. મહારાષ્ટ્રના ફરી ઉપ મુખ્યમંત્રી બનેલા અજીત પવારની રૂ. ૧૦૦૦ કરોડની સંપત્તિ આવકવેરા ખાતાના તાબામાં હતી એ છુટ્ટી કરી દેવામાં આવી અને એ પાછળ કારણ અપાયું એ કોઈ પણ રીતે ગળે ઊતરે એવું નથી. શું ભ્રષ્ટાચાર હતો જ નહિ કે પછી માફ કરી દેવાયો? મહાયુતિ સરકાર રચવાની શરતનો શું એક ભાગ હતો? આવા કેટલાય પ્રશ્નો તો સર્જાયા છે અને એનો જવાબ જેમણે આપવો જોઈએ એ આપવા તૈયાર નથી. આ મુદે્ કોઈ મોટી ચર્ચા પણ નથી.

આખી દુનિયામાં ભ્રષ્ટાચાર કેન્સરથી પણ વધુ ઝડપે ફેલાયો છે. હમણાં જ ભ્રષ્ટાચાર વિરોધી દિન ઉજવાયો પણ એનો કોઈ મતલબ નથી કારણ કે, મોટા ભાગના દેશોમાં ભ્રષ્ટાચાર વધતો જાય છે. સૌથી વધુ પ્રમાણ આફ્રિકાના દેશોમાં છે અને એશિયા પણ એમાં બહુ પાછળ નથી. અમેરિકામાં જો બાઈડેને જતા જતા એક કામ કર્યું છે અને એ એના પુત્ર હન્ટર માટે. હન્ટર સામે શસ્ત્ર અને એવો બીજો કેસ છે અને એમાં એ દોષી તો પુરવાર થઇ ચૂક્યો છે અને સજા જ આપવાની બાકી હતી. પણ પિતા અને અમેરિકાના વિદાય લેતા પ્રમુખ જો બાઈડેને એના દીકરાના ગુના માફ કરી દીધા છે. અમેરિકી રાષ્ટ્રપતિને આવી સત્તા છે. પાછા જો કહે છે , મારા નિર્ણયને અમેરિકાની પ્રજા સમજી શકશે.

હવે ડોનાલ્ડ ટ્રમ્પ આવવાના છે. એની સામે ચાર મુખ્ય કેસ છે અને એમાં સજા સુણાવવાની જ બાકી છે. પણ કોર્ટે એ મુલતવી રાખ્યું છે અને ડોનાલ્ડ પોતાની સામેના કેસ પાછા ખેંચે એવું બની શકે. જો બાઈડેન એવું કરે તો ટ્રમ્પ તો ચારચાસણી ચઢે એવા છે. અમેરિકા જેવા દેશમાં ન્યાયની આવી દશા હોય એ સમજવું મુશ્કેલ છે. ભારતમાં તો એકદમ મુશ્કેલ છે.

અજીત પવાર ભાજપમાં ગયા નહોતા ત્યાં સુધી એમની સામે ભાજપ જાહેરમાં આક્ષેપ કરતો હતો. દેવેન્દ્ર ફડણવીસથી માંડી નરેન્દ્ર મોદીએ જાહેરમાં ૭૦,૦૦૦ કરોડના કૌભાંડ અને ચક્કી પીસિંગ જેવા ડાયલોગ આપણે સાંભળ્યા પણ પવાર ભાજપમાં આવ્યા અને ઉપ મુખ્યમંત્રી બન્યા કે તુરંત એમની સામેના કેસ અટકી ગયા. તપાસ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું અને આવું અન્ય પક્ષમાંથી ભાજપમાં આવનાર બે ડઝન નેતાઓના કિસ્સામાં બન્યું છે. એની યાદી થઇ શકે છે.

આસામના મુખ્યમંત્રી હેમંત સરમાએ એક પ્રેસ કોન્ફરન્સમાં એમ કહેલું કે, અમારા પક્ષમાં કોઈ નેતા આવે તો એમની સામેના કેસ બંધ થતા નથી. પણ અજીત પવારની ૧૦૦૦ કરોડની જપ્ત થયેલી સંપત્તિ છુટ્ટી કરી દેવાઈ એ પછી સરમા પાસે શું જવાબ હશે એ આપણને ખબર નથી. વળી , આવકવેરા ખાતાએ જે કારણ આપ્યું છે એ તો સાવ હાસ્યાસ્પદ છે. ખાતાએ એમ કહ્યું કે, એમની આ સંપત્તિ ગેરકાયદે છે એવા કોઈ પુરાવા નથી. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં હતા ત્યારે અનેકવાર એ કહેતા રહેતા કે, હું ખાતો નથી, ખાવા દેતો નથી. ૨૦૧૪માં એમણે કોંગ્રેસ સરકાર સામે ભ્રષ્ટાચાર મુદે્ આક્રમક પ્રચાર કરેલો અને એ સત્તા પર આવ્યા અને એ પછીય અનેક વાર એમણે કહેલું છે કે, અમે ભ્રષ્ટાચારીઓને છોડીશું નહિ.

અમારી સરકારમાં કોઈ કૌભાંડ થતાં નથી. પણ અન્ય પક્ષમાંથી ભાજપમાં આવતા નેતાઓ સામેના કેસ કાં તો બંધ થાય છે અથવા તો એની તપાસ ઢીલીઢફ થઇ જાય છે એ શું છે? એ ભ્રષ્ટાચાર નથી? વિપક્ષી નેતાઓ સામે કેસ થાય છે, એ જેલ જાય છે પણ ભાજપમાં કોઈ બહારથી આવે તો એને માફી આપી દેવાય છે. સત્તા માટે કેટલા નીચે ઊતરી જવાય છે એનો આ દાખલો છે. આવા કિસ્સાઓના કારણે ભાજપ કરતાં ખાસ કરીને નરેન્દ્ર મોદીની સ્વચ્છ ઈમેજને નુકસાન થાય છે. એ વાત મોદી કે ભાજપ ના સમજતા હોય એવું તો માનવાને કારણ નથી. પણ ભાજપ અને કોંગ્રેસમાં આ મુદે્ કોઈ ફરક રહી ગયો છે એવુંય ક્યાં લાગે છે?

દિલ્હીમાં પણ લાડલી બહના
દિલ્હીમાં પણ આપ સરકારે મહિલાઓ માટે યોજના જાહેર કરી દીધી છે. કેબીનેટ દ્વારા મંજૂરી અપાઈ ગઈ છે. હવે દર મહિને ૧૮ વર્ષ ઉપરની મહિલાને મહિને એમના ખાતામાં રૂ. ૧૦૦૦ જમા થઇ જશે. આપ સરકાર આ યોજનાથી મહિલાઓના મતો અંકે કરવા માગે છે. આ પહેલાં પણ આપ સરકાર દ્વારા લોકોને રાહત આપતી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને એ આપ સરકાર માટે ફાયદામંદ બનતી આવી છે. મહિલા મતદારોને આકર્ષવા છેલ્લાં થોડાં વર્ષોમાં વિધવિધ યોજનાઓ જાહેર થઈ છે. ભાજપની હોય કે વિપક્ષની બધી સરકારો મહિલાઓ માટે યોજનાઓ જાહેર કરી છે. પણ એમાં આ રોકડ આપવાની યોજના અંગે વાદવિવાદ થાય તો કાંઈ ખોટું નથી. મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત પાછળ લાડલી બહના એક કારણ છે અને એ જ રીતે મધ્યપ્રદેશમાં પણ આવી યોજનાએ ભાજપને ફાયદો કરાવ્યો છે.

વિપક્ષે પણ આવી જાહેરાતો કરી જ છે. ફરક માત્ર આંકડાનો જ રહ્યો છે. સવાલ એ છે કે, આ યોજના એક રીતે મહિલા મતદારને લાંચ નથી? જરૂર તો એ છે કે, સરકારો રોજગારીનું સર્જન વધુ ને વધુ થાય એવા અવસરો પેદા કરે. મહિલાઓની સમસ્યા ઉકેલવા માટે પ્રયત્નશીલ બને. એના બદલે આ રોકડનો ખેલ ચાલે છે અને મતદાર પણ રીઝી જાય છે. ભારતના ચૂંટણીના રાજકારણમાં આ ટ્રેન્ડ ખતરનાક છે અને એ સરકારની તિજોરી પર જે ભાર પેદા કરે છે અને આખરે તો એ ભાર દેશના આમ આદમીની કેડે જ આવે છે એ કોઈ વિચારતું નથી. સમસ્યા અહીંથી શરૂ થાય છે અને એમાં રાજકીય પક્ષો ફાવી જાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top