આણંદ : આણંદના જીટોડીયા ગામે રહેતા શિક્ષિકા પરિવાર સાથે અલારસા ગામે ગરબા જોવા ગયાં હતાં. તે દરમિયાન પાછળથી ત્રાટકેલા તસ્કરો તેમના ઘરમાંથી રૂ.1.96 લાખની મત્તા ચોરી કરી નાસી ગયાં હતાં. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જીટોડીયા ગામે તીલક બંગ્લોઝમાં રહેતા મીતુલકુમાર પંચાલ ખાનગી કંપનીમાં કેમીસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. જ્યારે તેમના પત્ની મયુરીબહેન આણંદની સેન્ટ જોસેફ શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તેઓ 1લી ઓક્ટોબરના રોજ રાત્રે જમી પરવારી ઘરે તાળુ મારી પરિવાર સાથે અલારસા ગામે નવરાત્રીના ગરબા જોવા માટે ગયાં હતાં.
તેઓ બીજા દિવસે સવારના ઘરે પરત આવ્યા તે સમયે ઘરની હાલત જોઇ ચોંકી ગયાં હતાં. મકાનનું લોક ખોલી અંદર જોતા ઘરનો સરસામાન વેર વિખેર હતો. પાછળનો દરવાજો ખુલ્લો હતો અને લોખંડના દરવાજાનું તાળુ તોડી લાકડાના દરવાજાની સ્ટોપર તથા વચ્ચેનો નકુચો તુટેલો હતો. ઘરમાં ચોરી થયાનું જણાતાં તપાસ કરી હતી. જેમાં તિજોરીના ડ્રોવર તથા કબાટના લોક પણ તોડેલા જોવા મળ્યાં હતાં. જેમાંથી સોના – ચાંદીના દાગીના તથા રોકડ રૂ.60 હજાર મળી કુલ રૂ.1,96,500ની મત્તા ચોરી થયાનું જણાયું હતું. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.