રોવર (Rover) પ્રજ્ઞાન ચંદ્ર પર સફળ સોફ્ટ લેન્ડિંગ પછી પૃથ્વી (Earth) પર દૈનિક અવનવા અપડેટ્સ મોકલી રહ્યું છે. દરમિયાન ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ સોમવારે જણાવ્યું હતું કે 27 ઓગસ્ટ 2023 ના રોજ રોવરને તેના સ્થાનથી ત્રણ મીટર આગળ ચાર મીટર વ્યાસનો ખાડો મળ્યો હતો. આ પછી રોવરને પરત ફરવાની સૂચના આપવામાં આવી હતી. ખાડો જોઈ રોવરનો રસ્તો બદલી નાંખ્યો હતો. તે હવે સુરક્ષિત રીતે નવા માર્ગ પર આગળ વધી રહ્યું છે.
- ચંદ્ર પર ચાલતા રોવરને અચાનક સામે દેખાયો 4 મીટર ઊંડો ખાડો, ઈસરોએ તરત જ રૂટ બદલી નાંખ્યો
- . હવે એક ચંદ્ર દિવસ પૂરો થવામાં 9 દિવસ બાકી છે, આ પહેલા ISRO ચંદ્રની સપાટી પર રોવર મોડ્યુલ પ્રજ્ઞાન દ્વારા મહત્તમ અંતર કાપવાનો પ્રયાસ કરી રહ્યું છે
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ ચંદ્રયાન-3 મિશનના રોવર પ્રજ્ઞાન ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે અને રસ્તામાં એક ખાડો મળ્યા બાદ પરત ફરી રહ્યો હોવાની તસવીર જાહેર કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ તસવીર શેર કરતા ISROએ લખ્યું કે 27 ઓગસ્ટ 2023ના રોજ રોવર તેના સ્થાનથી 3 મીટર આગળ વધ્યું જ્યાં તેને 4 મીટર વ્યાસનો ખાડો મળ્યો. રોવરને પરત ફરવાનો ઓર્ડર મળ્યો અને તેણે રસ્તો બદલી નાંખ્યો. ઈસરોએ જણાવ્યું કે પ્રજ્ઞાન સંપૂર્ણપણે સુરક્ષિત છે અને હવે નવા માર્ગ પર આગળ વધી રહ્યું છે.
ચંદ્રની સપાટી પર ઉતર્યાના કલાકો પછી 26 કિલો વજનનું છ પૈડાવાળું રોવર લેન્ડરમાંથી બહાર આવ્યું અને હવે આગળ વધી રહ્યું છે. હવે એક ચંદ્ર દિવસ પૂરો થવામાં 9 દિવસ બાકી છે. આ પહેલા ISRO ચંદ્રની સપાટી પર રોવર મોડ્યુલ પ્રજ્ઞાન દ્વારા મહત્તમ અંતર કાપવાનો પ્રયાસ કરી રહ્યું છે. રોવરના સાધનો LIBS અને APXS કાર્યરત છે. ઇસરોના જણાવ્યા મુજબ પ્રોપલ્શન મોડ્યુલ લેન્ડર અને રોવર પરના તમામ સાધનો સામાન્ય રીતે કામ કરી રહ્યા છે.
અગાઉ ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરમાં ફીટ કરાયેલા ઉપકરણે ચંદ્રના તાપમાન સાથે સંબંધિત પ્રથમ માહિતી મોકલી હતી. આ મુજબ ચંદ્ર પર વિવિધ ઊંડાણો પર તાપમાનમાં ઘણો તફાવત છે. જ્યારે ચંદ્રની સપાટી 50 °C જેટલી ગરમ હોય છે, જ્યારે સપાટીથી માત્ર 80 mm નીચે તાપમાન માઈનસ 10 °C સુધી ઘટી જાય છે. ચંદ્રની સપાટી એક અવાહક દિવાલ જેવી છે, જે સૂર્યની ભીષણ ગરમીની અસરને સપાટીની અંદર પહોંચતા અટકાવવાની ક્ષમતા ધરાવે છે.