Charchapatra

એકને ગોળ બીજાને ખોળ

કેટલાક દિવસોથી સોશ્યલ મિડિયામાં સુરત મહાનગરપાલિકા દ્વારા વસૂલ કરાયેલા દંડની એક રસીદ વાયરલ થઇ રહી છે! વરઘોડા દરમ્યાન જાહેર રસ્તા ઉપર ફટાકડા ફોડી કચરો કરવા માટે જવાબદાર વ્યકિત પાસેથી રૂપિયા પાંચ હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો તેની આ રસીદ છે. રસીદમાં જવાબદાર વ્યકિતનું નામ, વરઘોડાનું સ્થળ, રસીદ નંબર અને વસૂલાત કરનાર અધિકારીનો હોદ્દો અને સહી બધું જ છે એટલે રસીદની વિશ્વસનીયતા માટે કોઇ શંકા ના હોઇ શકે! સુરત મનપા દ્વારા આ એક ખૂબ જ આવકારદાયક પગલું છે.

સુરત શહેર જયારે સ્વચ્છતામાં પ્રથમ ક્રમે આવ્યું છે અને મનપા સ્વચ્છતા પાછળ રાત્રિ સફાઇ જેવી કામગીરી સહિત બીજી અનેક કામગીરીઓ કરી રહી હોય ત્યારે આ પ્રકારનો ફટાકડાનો જાહેર રસ્તા ઉપર થતો કચરો યોગ્ય ના જ  કહેવાય અને તે માટે યોગ્ય કાર્યવાહી થવી જ જોઇએ અને આવી કાર્યવાહી માટે મનપાને અભિનંદન. પણ અહીં એક પ્રશ્ન ઉદભવે કે નજીકના ભવિષ્યમાં ચૂંટણી આવી રહી છે જે પત્યા બાદ વિજય સરઘસો નીકળશે તેમાં પણ ફટાકડા ફૂટશે તો શું મનપા જે તે રાજકીય પાર્ટીઓ પાસેથી પણ દંડ વસૂલ કરશે કે પછી એકને ગોળ અને બીજાને ખોળની નીતિ અપનાવી ચૂપ રહેશે?
સૂરત              – ભાર્ગવ પંડયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વન્યજીવોનાં અકુદરતી મૃત્યુ
છેલ્લા બે દાયકાથી વધુ સમય થયો વિકાસે જે વેગ પકડ્યો છે એ હવે માણસ જ નહીં પરંતુ અન્ય જીવોને પણ ભારે પડી રહ્યો છે.વિકાસના નામ પર આડેધડ કપાતાં વૃક્ષો અને જંગલોના કારણે પર્યાવરણના પ્રશ્નો તો ઊભા થયા જ છે.જંગલ વિસ્તારમાં થતી માનવ પ્રવૃત્તિઓને કારણે વન્યજીવોનું જીવન મુશ્કેલમાં મુકાયું છે.ખુદ સરકારી આંકડા મુજબ ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં જ ૨૩૯ સિંહ અને ૪૦૪ દીપડાનાં મૃત્યુ થયા છે.આ આંકડામાં મોટા ભાગના મૃત્યુ અકુદરતી કારણોથી થયાં હોવાનું પણ એ અહેવાલમાં જ જણાવ્યું છે.આડેધડ વિકાસથી વન્ય જીવો રહેઠાણ છીનવાઈ રહ્યાં છે.જો આમ ને આમ જ ચાલશે તો આપણે ખૂબ જ ઝડપથી આપણી વન્યજીવ સૃષ્ટિ ગુમાવવાનો વખત આવશે.વિકાસ જરૂરી હશે, પરંતુ પર્યાવરણનું જતન એથી પણ વધુ જરૂરી છે.આશા રાખીએ કે વન મંત્રાલય અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારી આ બાબત ધ્યાનમાં લે.
સુરત     – કિશોર પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top