પાણીપુરી અને આલુપુરી બનાવવા માટે સડેલા બટાટાનો ઉપયોગ થતો હોવાનો સુરતના પાંડેસરામાં આરોગ્ય વિભાગે પાડેલા દરોડામાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
પાંડેસરાના ગુલશનનગરના 10થી વધુ ઘરોમાંથી સડેલાં બટાટા, ગંદા કપડામાં લપેટેલો માવો અને વારંવાર ગરમ કરવાથી કાળું પડેલું ઝેરી તેલ મળી આવ્યું હતું, જેનો ઉપયોગ પાણીપુરી અને આલુપુરી તૈયાર કરવામાં થતો હતો. અહીંથી આખા શહેરમાં ખાદ્ય સામગ્રી સપ્લાય થતી હતી.
ગાંધીનગરથી સૂચના મળ્યા બાદ સુરત મનપાના આરોગ્ય વિભાગની ટીમે શહેરમાં વિવિધ સ્થળો પર દરોડા કાર્યવાહી કરી હજારો લિટર અખાદ્ય તેલ અને થોકબંધ સડેલા બટાટાનો નાશ કર્યો હતો. કસૂરવારો ને દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.
તપાસ દરમિયાન જોવા મળ્યું કે જે પૂરીઓ વેચવા માટે રાખવામાં આવી હતી એ ભેજ અને ગંદકીને કારણે સડી ગઈ હતી અને કાળી પડી ગઈ હતી. પૂરી તળવા માટે જે તેલનો ઉપયોગ થતો હતો એ એટલી હદે બળી ગયું હતું કે એ ડામર જેવું કાળું દેખાતું હતું. આવા અખાદ્ય તેલનો ઉપયોગ કેન્સર અને હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓ નોતરી શકે છે.
પાલિકાની ટીમે પાંડેસરા વિસ્તારમાં અનેક વિક્રેતાઓને સ્થળ પર જ આકરો દંડ ફટકાર્યો હતો. જે લોકો ગંદકી વચ્ચે વ્યવસાય કરી રહ્યા હતા તેમનો તમામ સામાન જપ્ત કરી લેવામાં આવ્યો છે. મનપાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે લોકોના જીવ સાથે રમત કરનાર કોઈપણ શખસને છોડવામાં આવશે નહીં અને આવા દરોડા હવે આખા શહેરમાં ચાલુ રહેશે.