સુરત: સુરતમાં એક એવી ઘટના બની છે જેણે સીમેન્ટ કોંક્રીટના જંગલો બનાવનારાઓને વિચારવા પર મજબૂર કરી દીધા છે. સુરતની ડિસ્ટ્રીક્ટ બેંકની બહાર લાગેલા એલિવેશનના (elevation) કાંચને કારણે પક્ષીઓના (birds) મોત (death) થયા છે. જાણવા મળ્યા મુજબ એલિવેશનમાં વાદળની છબી દેખાઈ રહી હતી જેને પક્ષીઓએ આકાશ સમજી લીધું અને તેઓ ભ્રમિત થઈને કાંચ સાથે ટકરાઈ ગયા. 34 જેટલા વિદેશી પક્ષીઓ ધાડકાભેર કાંચની દીવાલ સાથે અથડાતા તરત જ જમીન પર ઢળી પડ્યાં હતા. જીવદયા પ્રમીઓએ આ પક્ષીઓનો કબ્જો લીધો હતો.
સુરતમાં શિયાળાની ઋતુમાં રોઝી સ્ટર્લિંગ (rosy sterling bird) નામના પક્ષીઓ આવે છે અને તે મુક્ત રીતે સુરતના આકાશમાં સમૂહમાં ઉડે છે. આજે પણ તેઓ મુક્ત રીતે આકાશમાં વિહાર કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. સુરતના રિંગરોડ ખાતે સુરત ડિસ્ટ્રીક્ટ કો ઓપરેટિવ બેંક આવેલી છે. કચેરીની આ મુખ્ય ઓફિસ પાસે બપોરના સમયે પક્ષીઓનું આખુ ઝુંડ ઈમારતના કાચના એલિવેશન સાથે ટકરાયુ હતું. આ સાથે જ બિલ્ડીગમાં ધડાકા સાથે અવાજ થયો હતો. આ ધડાકો સાંભળી બેંકમાં કામ કરતા કર્મચારીઓ ચોંકી ઉઠ્યા હતા અને ગભરાઈને બહાર આવી ગયા હતા. સિક્યુરિટી જવાને આવીને જોયુ તો બેંક પરિસરમાં ઢગલાબંધ પક્ષીઓ પડ્યા હતા. જેમાંથી કેટલાક ટળવળી રહ્યા હતા જ્યારે મોટાભાગના મોતને ભેટ્યા હતા. જાણવા મળ્યા મુજબ આ દુર્ઘટનામાં લગભગ 34 જેટલા પક્ષીઓના મોત નિપજ્યા હતા.
ડિસ્ટ્રીક્ટ બેંકના સિક્યુરિટી જવાનોએ કેમ્પસમાં એકસાથે સંખ્યાબંધ પક્ષીઓ મૃત્યુ પામ્યા હોવાનું જણાવ્યું હતું. સૌ કોઇ આ ઘટનાથી સમસમી ઉઠ્યા હતા. આ ઘટના બાદ પક્ષીઓ માટે કામ કરતી જીવદયા સંસ્થા પ્રયાસનો બેંક તરફથી તુરંત સંપર્ક કરવામાં આવ્યો હતો. પ્રયાસની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને પક્ષીઓની સારવાર કરવાનું શરૂ કર્યું હતું પરંતુ મોટાભાગના પક્ષીઓ મૃત્યુ પામ્યા હતા.
રોઝી સ્ટર્લિંગ બર્ડસ હિમાલય તરફથી આવે છે
જણાવી દઈએ કે રોઝી સ્ટર્લિંગ બર્ડસ હિમાલય તરફથી સુરતમાં આવે છે. ખાસ કરીને શિયાળામાં દર વર્ષે આ પક્ષીઓ સુરતના મહેમાન બનતા હોય છે. ત્યારે સુરતના આકાશમાં બનેલી આ ઘટનાએ લોકોને વિચારતા કરી દીધા છે. શહેરમાં અનેક એવી બિલ્ડિંગ્સ છે જ્યં એલિવેશન કાંચ લગાવેલા હોય છે. આટલા મોટા પ્રમાણમાં પક્ષીઓના જીવ જવા આ ઘટના સુરતીઓ માટે એક સબક હોઈ શકે છે.