Sports

વર્લ્ડકપની ટ્રોફી પર પગ મુકી ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ ફોટો પડાવતા ક્રિકેટ ફેન્સ ગુસ્સે ભરાયા

અમદાવાદ: ગઇકાલે 19 નવેમ્બર રવિવારના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાએ (Australia) ભારત સાથે વર્લ્ડકપની (World Cup 2023) ફાઇનલ મેચ રમી હતી. જેમાં ઓસ્ટ્રેલિયન ટીમએ ભારત સામે વિજય (Win) મેળવી વર્લ્ડ કપની ટ્રોફી (Trophy) જીતી હતી. પરંતુ કાંગારુ ટીમ આ ટ્રોફીને સન્માન આપવાનુ ભૂલી ગયા હોય તેમ દેખાઇ રહ્યુ છે.

વિજેતા ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સે સોશિયલ મીડિયામાં એક સ્ટોરી શેર કરી હતી, જેમાં બેટ્સમેન મિચેલ માર્શ વર્લ્ડ કપની ટ્રોફી પર પગ મૂકતો જોવા મળી રહ્યો છે. આ ફોટાને લઈને સોશિયલ મીડિયા પર માર્શને ખૂબ ટ્રોલ (Troll) કરવામાં આવી રહ્યો છે.

મળતી માહિતી મુજબ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે વર્લ્ડ કપ ટ્રોફી જીત્યાના થોડા કલાકો બાદ આ ફોટો શેર કર્યો હતો. જેમાં મિચેલ માર્શ ટ્રોફી ઉપર પગ મુકતો જોવા મળ્યો હતો. ત્યાર બાદ આ ફોટો જંગલમાં લાગેલી આગની જેમ વાયરલ થઈ ગયો હતો. ત્યારે માર્શની આ હરકતને લોકો વર્લ્ડ કપ ટ્રોફીના અપમાન તરીકે ગણાવી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટામાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મિશેલ માર્શ જોવા મળી રહ્યો છે. જેણે તેના બંને પગ વર્લ્ડ કપની ટ્રોફી પર મૂક્યા છે અને તેના હાથમાં શેમ્પેન છે.

આ ફોટો હોટલના રૂમનો હોય તેમ લાગી રહ્યુ છે. જ્યાં ઓસ્ટ્રેલિયાની ટીમ આરામથી બેસીને એકબીજા સાથે ચેટ કરી રહી હતી. તેમજ પોતાનો મેડલ બતાવતી વખતે માર્શે તેના બંને પગ ટ્રોફી ઉપર રાખ્યા હતા. આ ફોટો વાયરલ થતાં જ લોકોએ તેને ટ્રોફી પ્રત્યે ‘અનાદર’ કરવા બદલ ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. બીજી તરફ મેચ પહેલા રોહિત શર્માએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેઓ આ ટ્રોફીને એક વાર કિસ કરવા માંગે છે. જેના પરથી સમજી શકાય છે કે ભારતીય ટીમ આ ટ્રોફી માટે કેટલું સન્માન ધરાવે છે.

2011માં ભારત વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું હતું. જેની ઉજવણીમાં ભારતીય ટીમ મહિનાઓ સુધી ડૂબી રહી હતી. કેપ્ટન એમએસ ધોની, સચિન તેંડુલકર, વિરાટ કોહલી, સેહવાગ દરેક ટીમનો દરેક વ્યક્તિ ટ્રોફીને કિસ કરતા જોવા મળ્યા હતા. જ્યારે લિયોનેલ મેસીની કપ્તાનીમાં આર્જેન્ટિનાએ ફિફા વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો ત્યારે મેસી આખી રાત ટ્રોફી છાતીએ વળગાડીને સૂતો રહ્યો હતો. જેને ટ્રોફીનું સન્માન કહી શકાય.

Most Popular

To Top