સાપુતારા: (Saputara) મહારાષ્ટ્રનાં પ્રવાસીઓ (Tourist) તેઓની ટાટા વિંગર ગાડી ન. એમ.એચ.04.ડી.ડબ્લ્યુ 1981માં સવાર થઈ સાપુતારાની સહેલગાહે આવ્યા હતા. આજે મોડી સાંજે સાપુતારાનાં ટેબલપોઈંટ પરથી હરી ફરીને તેઓની ટાટા વિંગર ગાડીમાં સવાર થઈ નીચે ઉતરી રહ્યા હતા. તે વેળાએ ટેબલ પોઈંટનાં (Table Point) ઉતરાણમાં આવેલા રોપવે રિસોર્ટ (Rope way Resort) નજીક ટાટા વિંગર ગાડીનાં ચાલકે અચાનક સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા આ ગાડી રોપવેનાં કેબિનમાં ઘુસી જતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
અહી ટાટા વિંગર ગાડી રોપવે રિસોર્ટનાં કેબિનનાં દીવાલ સાથે ભટકાઈને થંભી જઈ ખીણમાં ખાબકતા બચી ગઈ હતી. આ બનાવમાં ટાટા વિંગર ગાડીએ રોપવે રિસોર્ટનાં બે વોચમેનને અડફેટમાં લેતા તેઓને ગંભીર ઈજા પહોચતા ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ સાપુતારા પી.એચ.સી ખાતે પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે નવસારી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. આ બનાવમાં રોપવે રિસોર્ટનાં શેડ સહીત ટાટા વિંગર ગાડીને જંગી નુકસાન થયુ હતુ. આ અકસ્માતનાં બનાવ સંદર્ભે સાપુતારા પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગણદેવી પોલીસે ફિલ્મી ઢબે 22 કીમી પીછો કરી દારૂ ભરેલી કાર ઝડપી
ગણદેવી : ગણદેવી પોલીસ પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન બાતમી મળી હતી કે સફેદ રંગની સેલેરીયો કાર નં. જીજે 15 સીડી 8564 માં બીલીમોરા તરફથી વિદેશી દારૂ ભરી વાસણ ત્રણ રસ્તાથી નવસારી તરફ જનાર છે. જે બાતમીના આધારે પોલીસે ગણદેવી તાલુકાના વાસણ ગામે વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમીવાળી કાર આવતા ઉભી રાખવા તેને ઇશારો કરતા ચાલકે પોતાની કાર ઉભી નહી રાખી નવસારી તરફ પુરપાટ હંકારી ગયો હતો. અને અમલસાડ મંદિર થઈ યુ ટર્ન મારી વાસણ ત્રણ રસ્તા થઈ બીલીમોરા અંબિકા પૂલ થઈ, ચીમોડિયા નાકા બ્રિજ વટાવી દેવસર, ભૈયા ટેકરી, ગણદેવી કસ્બા વાડી થઈ જલારામ મંદિર, નવસારી નાકા, અજરાઈ, ગડત, સોનવાડી પૂલ થઈ સાલેજ માયાતલાવડી નહેર પાસે કાર અથડાવી દીધી હતી.
જેનો પોલીસે 22 કીમી ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. અને કારમાંથી બહાર નીકળી ભાગી રહેલા કાર ચાલક મોઇઝ કરીમ મીઠાની (33 રહે. એસ-10 આઈ વિંગ એપા. ખોજા સોસાયટી ખારીવાડ, નાની દમણ)ને ઝડપી લીધો હતો. અને તલાશી લેતા રૂ.50,700 ની 66 બોટલ, રૂ.2 લાખની કાર, રૂ.500 નો મોબાઇલ મળી રૂ.2,51,200 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. માલ ભરી આપનાર સુરેશભાઇ મારવાડી (રહે.નાની દમણ)ને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી હતી.