SURAT

શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર

વેસુ ભીમરાડ રોડ પર શિવ રેસિડેન્સીમાં 80 લાખની કિંમતના ફ્લેટના માલિકી ધરાવતા 400 લોકો આજે દર દર ભટકવા મજબૂર બન્યા છે. રાતોરાત તેમના માથા પરથી છત છીનવાઈ ગઈ છે. આ લોકો એકટીશે પોતાના એપાર્ટમેન્ટને જોતા દિવસ પસાર કરે છે અને રાત્રે કોઈ સંબધીના ઘરે, હોટલમાં જઈને રિફ્યુજીની જેમ રાત પસાર કરે છે. દર દરની ઠોકર ખાવા આ 400 લોકો મજબૂર થયા છે.

શિવ રેસિડેન્સીની બાજુમાં રાજલક્ષ્મી ગ્રુપના એક પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ત્રણ લેટરના બેઝમેન્ટ બનાવવા માટે બિલ્ડર દ્વારા શિવ રેસિડેન્સીની લગોલગ ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. 15 ફૂટ નીચેથી પાણી નીકળતા જમીન પોચી થઈ અને ધસી ગઈ હતી, જેમાં શિવ રેસિડેન્સીની પ્રોટેક્શન વોલ અને પતરાંનો શેડ તૂટી ગયો હતો. આ ઘટના મંગળવારે રાત્રે 12 થી 12.30 દરમિયાન બની હતી. આ દુર્ઘટનામાં શિવ રેસિડેન્સીની 10થી 15 કારને નુકસાન થયું હતું.

શિવ રેસિડેન્સીના રહીશોનો આક્ષેપ છે કે મંગળવારે બપોરે જ શિવ રેસિડેન્સીના પાર્કિંગના બ્લોક ઢીલા પડી ગયા હતા. તે અંગે રાજલક્ષ્મી ગ્રુપના બિલ્ડરને જાણ કરી હતી, પરંતુ તેઓએ ધ્યાન આપ્યું નહીં અને રાત્રે દુર્ઘટના બની.

પ્રોટેક્શન વોલ તૂટી જતા શિવ રેસિડેન્સીના 4 એપાર્ટમેન્ટ પર જોખમ ઉભું થયું છે. માટી પોચી થઈ હોય આ એપાર્ટમેન્ટ તૂટી પડે તેવો ભય સર્જાયો હોય પાલિકા દ્વારા શિવ રેસિડેન્સીના તમામ મકાનો ખાલી કરાવી સીલ મારી દેવાયા છે. જેથી પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

કોઈ વાંક ગુના વિના શિવ રેસિડેન્સીના 400 લોકોને રિફ્યુજીની જેમ રઝળવાનો વારો આવ્યો છે. આ લોકો દિવસભર પોતાના મકાનો સામે એકીટશે જોયા કરે છે અને રાત સગાસંબંધી ના ઘરે કે હોટલમાં જઈ વીતાવે છે.

દુર્ઘટનાનો ભોગ બનેલા રીમઝીમ જૈને આંખમાં આંસુ સાથે પોતાની વેદના વર્ણવતા જણાવ્યું કે, 15 વર્ષ પહેલા ઘણાી આશાએ સાથે આ ઘર લીધું હતું. અમારો કોઈ સંબંધી પણ આ શહેરમાં નથી, અમે ક્યાં જઈએ? મકાન સીલ કરી દીધું છે, અમારી આખી જિંદગીની કમાણી આમાં જતી રહી.

રજા ચિઠ્ઠી રદ કરી, લાયસન્સ રદ કરાયા
સુરત મહાનગરપાલિકાએ આકરા પગલાં લીધા છે. ડેવલપર તુષાર પોપટલાલ રીબડીયા, આર્કિટેક્ટ સુરેશકુમાર મોડિયા, સ્ટ્રક્ચરલ એન્જિનિયર જલીલ શેખ અને ક્લાર્ક-સુપરવાઈઝર તેજસ જસાણીના લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સમગ્ર બિલ્ડિંગની સ્ટેબિલિટી તપાસવા માટે સાત તજજ્ઞોની ટીમ તૈનાત કરવામાં આવી છે, જે રિપોર્ટ સોંપશે.

ફરિયાદ છતાં પાલિકાએ ધ્યાન આપ્યું નહીં
સ્થાનિક રહીશોની ફરિયાદ છે કે આ વિસ્તારમાં અનેક બાંધકામ સાઈટ ચાલે છે જ્યાં ઊંડા ખાડા ખોદવામાં આવે છે તેમ જ પાણી ઉલેચવામાં આવે છે. તે મામલે ફરિયાદ કરવા છતાં પાલિકા દ્વારા કોઈ ધ્યાન અપાયું નહોતું. આખરે શિવ રેસિડેન્સિના રહીશોએ સહન કરવાનો વારો આવ્યો છે. પાલિકાની લાપરવાહી સામે કોણ કાર્યવાહી કરશે તે સવાલ સ્થાનિકો પૂછી રહ્યાં છે.

Most Popular

To Top