Sports

રોહિત શર્માના નવા અવતારનો ફોટો વાયરલ, ઓસ્ટ્રેલિયા ટુર પહેલાં 10 કિલો વજન ઘટાડ્યું,

ભારતના ODI કેપ્ટન રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરવા માટે સખત મહેનત કરી રહ્યા છે. શર્મા પોતાની બેટિંગથી લઈને ફિટનેસ સુધીની દરેક બાબત પર કામ કરી રહ્યા છે. રોહિત તેના મિત્ર અને ભારતના ભૂતપૂર્વ સહાયક કોચ અભિષેક નાયર સાથે જીમમાં તાલીમ લેતા જોવા મળ્યો હતો. જોકે, હવે અભિષેક નાયરએ સોશિયલ મીડિયા પર વધુ એક ફોટો શેર કર્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે.

38 વર્ષીય રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે વાપસીની તૈયારી માટે 10 કિલોગ્રામ વજન ઘટાડ્યું છે. અભિષેક નાયરે ઇન્સ્ટાગ્રામ પર રોહિત સાથેની એક સ્ટોરી શેર કરી. તેણે કેપ્શન આપ્યું, “10000 ગ્રામ વજન ઘટાડ્યા પછી આપણે આગળ વધતા રહીશું.” રોહિત તે ફોટામાં ઘણો ફિટ દેખાઈ રહ્યો છે. જો તે 2027ના ODI વર્લ્ડ કપમાં રમવા માંગતો હોય તો તેણે સમાન ફિટનેસ સ્તર જાળવી રાખવાની જરૂર પડશે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમનું નેતૃત્વ કરશે
ભારત ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે આવવાનું છે. ટીમ ઇન્ડિયા કાંગારુ ટીમ સામે ત્રણ મેચની વન-ડે અને પાંચ મેચની ટી20 શ્રેણી રમશે. રોહિત શર્મા ફરી એકવાર વનડે શ્રેણીમાં ભારતનું નેતૃત્વ કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડે શ્રેણી 19 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે, અને હિટમેન તેની તૈયારી કરી રહ્યો છે.

IPL દરમિયાન ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી
રોહિત શર્માએ IPL 2025 ના મધ્યમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. હિટમેને ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા જ નિવૃત્તિની જાહેરાત કરી. તેણે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેની છેલ્લી ટેસ્ટ રમી હતી. 2024 T20 વર્લ્ડ કપ જીત્યા પછી રોહિતે T20 ક્રિકેટમાંથી પણ નિવૃત્તિની જાહેરાત કરી હતી. તે હવે ફક્ત ODI ફોર્મેટમાં સક્રિય છે.

Most Popular

To Top