Sports

કાનપુર ટેસ્ટઃ વરસાદના લીધે મેચ અટકી, બાંગ્લાદેશનો સ્કોર 100ને પાર

કાનપુરઃ ભારત-બાંગ્લાદેશની બે ટેસ્ટ મેચની સિરિઝની બીજી મેચ આજે તા. 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં શરૂ થઈ છે. ભારતે ટોસ જીતી ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશની શરૂઆત સારી રહી નહોતી. બાંગ્લાદેશે 80 પર જ 3 વિકેટ ગુમાવી દીધી હતી. આકાશ દીપને બે જ્યારે રવિચંદ્રન અશ્વિનને એક સફળતા મળી છે.

દરમિયાન 35 ઓવર બાદ મેચને વરસાદના લીધે રોકવી પડી હતી. મેચ અટકાવવામાં આવી ત્યારે બાંગ્લાદેશનો સ્કોર 107 હતો. બાંગ્લાદેશે 3 વિકેટ ગુમાવી છે.

જોકે, આ મેચ શરૂ થાય તે પહેલાં કેપ્ટન રોહિત શર્માએ લીધેલા કેટલાંક નિર્ણયોએ ચાહકોને ચોંકાવ્યા હતા. ટોસ જીતીને રોહિત શર્માએ બાંગ્લાદેશને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. સામાન્ય રીતે કાનપુરમાં ટોસ જીતનાર પહેલાં બેટિંગ કરવાનું પસંદ કરે છે.

કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમના આંકડાઓ પર નજર કરીએ તો એક ખૂબ જ રસપ્રદ વાત સામે આવે છે. કાનપુરમાં અત્યાર સુધી 24 ટેસ્ટ મેચ રમાઈ છે. જેમાં માત્ર એક જ વાર આવું બન્યું કે જ્યારે કોઈ ટીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું.

અત્યાર સુધી કાનપુરમાં 24 ટેસ્ટ મેચ રમાઈ છે, તેમાં ટોસ જીતનાર ટીમે હંમેશા બેટિંગ કરવાનું પસંદ કર્યું છે. આ અગાઉ 1964માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તે મેચ ડ્રો રહી હતી.

એટલે કે એક વાત સ્પષ્ટ છે કે સામાન્ય રીતે સ્પિનરો માટે સ્વર્ગ કહેવાતી આ પીચ પર કોઈપણ ટીમ પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરતી નથી. રોહિત શર્મા એવો બીજો ભારતીય કેપ્ટન છે જેણે 60 વર્ષ બાદ કાનપુરમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે.

આ ઉપરાંત સ્પીન ટ્રેક હોવાના લીધે કુલદીપ યાદવનો પ્લેઇંગ 11માં સમાવેશ કરાશે એવું માનવામાં આવતું હતું પરંતુ રોહિત શર્માએ પ્લેઈંગ 11ને યથાવત્ જાળવી રાખી બધાને ચોંકાવ્યા હતા. ભારતીય ટીમે ત્રણ પેસર સાથે રમવાનું પસંદ કર્યું હતું. બીજી તરફ બાંગ્લાદેશની ટીમ ત્રણ સ્પીનર સાથે મેદાનમાં ઉતરી હતી.

લંચ પહેલાં બાંગ્લાદેશે બે વિકેટ ગુમાવી
આકાશદીપે આ મેચમાં સતત ધમાકેદાર શરૂઆત કરી હતી. પરંતુ મેચમાં પોતાની ઓવર નાખવા આવેલા આકાશ દીપે ઝાકિર હસનને સ્લિપમાં યશસ્વી જયસ્વાલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. તે સમયે બાંગ્લાદેશની ટીમનો સ્કોર 26 રન હતો. જ્યારે સ્કોરબોર્ડ પર માત્ર 29 રન લટકી રહ્યા હતા ત્યારે આકાશ દીપ એલબીવેડ શાદમાન ઈસ્લામ (24) આઉટ થયો હતો.

ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, રિષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ.

બાંગ્લાદેશની પ્લેઈંગ ઈલેવનઃ શાદમાન ઈસ્લામ, ઝાકિર હસન, નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મોમિનુલ હક, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન દાસ (વિકેટકીપર), મેહદી હસન મિરાજ, તૈજુલ ઈસ્લામ, હસન મહમૂદ, ખાલિદ અહેમદ.

Most Popular

To Top