આઈસીસી દ્વારા વન ડે રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. ભારતીય ઓપનર શુભમન ગિલ નંબર 1 પર છે, જ્યારે પાકિસ્તાનના બાબર આઝમને પાછળ છોડી ભારતીય કેપ્ટન રોહિત શર્મા નંબર 2 બેટ્સમેન બની ગયો છે. આ રેન્કિંગમાં 4 ભારતીય બેટ્સમેન ટોપ 10માં સામેલ છે, જે આગામી મોટી ODI ટુર્નામેન્ટ પહેલા ટીમ ઈન્ડિયા માટે સકારાત્મક સંકેત છે.
બાબર આઝમે વેસ્ટ ઈન્ડિઝ સામે 3 ODI મેચમાં કુલ 56 રન બનાવ્યા હતા, જેનો માર તેને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના તાજેતરના રેન્કિંગમાં ભોગવવો પડ્યો હતો. રોહિત શર્મા હવે બાબર આઝમને પાછળ છોડીને ODI રેન્કિંગમાં નંબર 2 બેટ્સમેન બની ગયો છે.
વિરાટ કોહલી 736 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે, જ્યારે ન્યુઝીલેન્ડનો ડેરિલ મિશેલ (720) પાંચમા સ્થાને છે અને શ્રીલંકાનો ચરિથ અસલંકા (719) છઠ્ઠા સ્થાને છે. આયર્લેન્ડનો હેરી ટેક્ટર (708) સાતમાં સ્થાને છે, ભારતનો શ્રેયસ ઐયર (704) આઠમાં સ્થાને છે અને અફઘાનિસ્તાનનો ઇબ્રાહિમ ઝદરાન (676) નવમા સ્થાને છે. શ્રીલંકાના કુસલ મેન્ડિસ (669) પણ ટોચના 10 માં સામેલ છે. વેસ્ટ ઈન્ડિઝના શાઈ હોપ (661) 11માં, ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ (650) 12મા અને વેસ્ટ ઈન્ડિઝના કેસી કાર્ટીએ (650) 13મા ક્રમે છે. દક્ષિણ આફ્રિકાના રાસી વાન ડેર ડુસેન (648) 14માં સ્થાને છે.
ટી-20 રેન્કિંગ પણ જાહેર કરાયા
ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોએ આઈસીસી ટી20 બેટિંગ રેન્કિંગમાં મોટો ઉછાળો નોંધાવ્યો છે. નવીનતમ અપડેટમાં, બંને ટીમોના ખેલાડીઓએ તેમના કારકિર્દીના સર્વોચ્ચ રેન્કિંગ પ્રાપ્ત કર્યા છે.
દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીની પ્રથમ બે મેચમાં સૌથી વધુ રન બનાવનાર ઓસ્ટ્રેલિયાના ટિમ ડેવિડ 6 સ્થાન ઉપર ચઢીને 10મા સ્થાને પહોંચી ગયા છે. આ તેમના કારકિર્દીનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ રેન્કિંગ છે.
ઓસ્ટ્રેલિયાના કેમેરોન ગ્રીન પણ 6 સ્થાનના ઉછાળા સાથે T20 બેટ્સમેનોના રેન્કિંગમાં 17મા સ્થાને પહોંચી ગયા છે. દક્ષિણ આફ્રિકાના યુવા ખેલાડી ડેવાલ્ડ બ્રેવિસ આ અપડેટનો સૌથી મોટો સ્ટાર હતો. ડાર્વિનમાં શ્રેણીની બીજી મેચમાં બ્રેવિસે 125 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેના કારણે તેમની ટીમ શ્રેણી 1-1થી બરાબર કરવામાં સફળ રહી હતી. આ ઇનિંગ પછી તે T20 બેટિંગ રેન્કિંગમાં ટોચના 100 થી 21મા સ્થાને પહોંચી ગયો.
આ દક્ષિણ આફ્રિકાના કોઈપણ પુરુષ બેટ્સમેન દ્વારા T20 માં સૌથી વધુ સ્કોર છે અને ઓસ્ટ્રેલિયા સામેનો સૌથી વધુ વ્યક્તિગત સ્કોર પણ છે. આ તેની કારકિર્દીની માત્ર નવમી T20 આંતરરાષ્ટ્રીય મેચ હતી. દક્ષિણ આફ્રિકાના ટ્રિસ્ટન સ્ટબ્સ પણ 12 સ્થાન ઉપર ચઢીને સંયુક્ત 27માં સ્થાને પહોંચી ગયા છે. ઓસ્ટ્રેલિયાના જોશ હેઝલવુડ (3 સ્થાન ઉપર ચઢીને 20માં સ્થાને), કાગીસો રબાડા (15 સ્થાન ઉપર ચઢીને સંયુક્ત 44મા સ્થાને) અને લુંગી ન્ગીડી (14 સ્થાન ઉપર ચઢીને 50માં સ્થાને) એ બોલિંગ રેન્કિંગમાં સુધારો કર્યો છે.
ન્યુઝીલેન્ડના ખેલાડીઓનો ટેસ્ટ રેન્કિંગમાં સુધારો
ઝિમ્બાબ્વેને 2-0 થી હરાવ્યા બાદ ન્યુઝીલેન્ડના ઘણા ખેલાડીઓએ ટેસ્ટ રેન્કિંગમાં મોટી પ્રગતિ કરી છે. શ્રેણીમાં 16 વિકેટ લેનાર અને 9.12 ની સરેરાશથી શાનદાર બોલિંગ કરનાર ફાસ્ટ બોલર મેટ હેનરી એક સ્થાન ઉપર આવીને ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સને પાછળ છોડી દીધો છે.
બુમરાહ ટેસ્ટ રેન્કિંગમાં બોલર નં. 1
ટેસ્ટ બોલરોમાં જસપ્રીત બુમરાહ હાલમાં પ્રથમ સ્થાને છે અને રબાડા બીજા સ્થાને છે. ટેસ્ટ બેટ્સમેનોમાં, ન્યુઝીલેન્ડના રચિન રવિન્દ્ર (15 સ્થાન ઉપર 23માં ક્રમે), ડેવોન કોનવે (7 સ્થાન ઉપર 37માં ક્રમે) અને હેનરી નિકોલ્સ (6 સ્થાન ઉપર 47માં ક્રમે) એ સારું પ્રદર્શન કર્યું છે અને તેમના રેન્કિંગમાં સુધારો કર્યો છે.
ODI રેન્કિંગમાં પણ હલચલ જોવા મળી છે. વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાન શ્રેણીની પ્રથમ બે મેચ બાદ બોલરોના રેન્કિંગમાં ફેરફાર થયો છે. વેસ્ટ ઈન્ડિઝના સ્પિનર ગુડકેશ મોતી 5 સ્થાન ઉપર ચઢીને 12મા સ્થાને, તેના સાથી ખેલાડી જેડન સીલ્સ 24 સ્થાન ઉપર ચઢીને 33મા સ્થાને અને પાકિસ્તાનના અબરાર અહેમદ 3 સ્થાન ઉપર ચઢીને 54માં સ્થાને પહોંચી ગયા છે.