Sports

રોહિત શર્માને ચાલુ મેચે હોસ્પિટલમાં લઈ જવો પડ્યો, શું તે બાંગ્લાદેશ સામેની સિરીઝમાંથી બહાર થઈ જશે?

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ માટે માઠાં સમાચાર છે. બુધવારે બાંગ્લાદેશ સામેની બીજી વન-ડે મેચમાં કેપ્ટન રોહિત શર્મા ઈન્જર્ડ થયો છે. ચાલુ મેચે રોહિત શર્માને હોસ્પિટલમાં લઈ જવો પડ્યો હતો. રોહિત શર્મા ઈન્જર્ડ થતાં ભારતીય ક્રિકેટ ટીમની ચિંતામાં વધારો થયો છે. આજની મેચમાં રોહિત શર્માના સ્થાને વિરાટ કોહલી ઓપનીંગ માટે ઉતર્યો હતો.

ભારતીય કેપ્ટન રોહિત શર્માને (Rohit Sharma) બુધવારે અહીં બાંગ્લાદેશ સામેની બીજી વનડે દરમિયાન કેચ લેવાનો પ્રયાસ કરતી વખતે ડાબા અંગૂઠામાં ઈજા થતાં તેને સ્કેન માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સેકન્ડ સ્લિપમાં ફિલ્ડિંગ કરતા રોહિતે મોહમ્મદ સિરાજની ઇનિંગની બીજી ઓવરના ચોથા બોલ પર અનામુલ હકનો કેચ છોડ્યો હતો. દરમિયાન તેના ડાબા હાથમાંથી લોહી નીકળવા લાગ્યું હતું.

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ ટ્વિટ કર્યું કે, “ભારતીય કેપ્ટન રોહિત શર્માને બીજી વનડેમાં ફિલ્ડિંગ કરતી વખતે અંગૂઠામાં ઈજા થઈ હતી. બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની તપાસ કરી રહી છે, તેને સ્કેન માટે લઈ જવામાં આવ્યો છે. બાંગ્લાદેશ પ્રથમ વનડે એક વિકેટથી જીતીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. જો રોહિત શર્માની ઈજા ગંભીર સાબિત થાય છે તો તે ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે. કારણ કે ODI શ્રેણીની હજુ એક મેચ બાકી છે, સાથે જ આ પછી બે મેચની ટેસ્ટ શ્રેણી પણ છે. ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ માત્ર રોહિત શર્મા જ કરશે.

જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ 2022 બાદ રોહિત શર્મા બ્રેક લઈને વાપસી કરી રહ્યો છે. તે ટીમ ઈન્ડિયા સાથે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ગયો ન હતો. રોહિત બાંગ્લાદેશ પ્રવાસમાંથી જ પાછો ફર્યો હતો, જ્યાં ટીમ ઈન્ડિયાને પ્રથમ વનડેમાં એક વિકેટથી પરાજય મળ્યો હતો. હવે રોહિત શર્મા બીજી વનડેમાં ઈજાગ્રસ્ત થયો છે.

બાંગ્લાદેશ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું
બાંગ્લાદેશ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા માટે સતત ખરાબ સમાચાર આવી રહ્યા છે. ઋષભ પંતને શ્રેણીની શરૂઆત પહેલા જ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. બીસીસીઆઈએ માહિતી આપી હતી કે મેડિકલ ટીમની સલાહ પર રિષભ પંતને મુક્ત કરવામાં આવ્યો છે. આ સિવાય કુલદીપ સેનને પણ પીઠમાં થોડી સમસ્યા હતી, જેના કારણે તે બીજી વનડેમાં પસંદગી માટે ઉપલબ્ધ નહોતો.

Most Popular

To Top