ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પહેલી ODI આજે તા. 30 નવેમ્બરે રાંચીમાં રમાઈ રહી છે. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમની બૅટિંગ દરમિયાન સ્ટાર પ્લેયર રોહિત શર્માએ ફરી એકવાર પોતાની શાનદાર રમતથી ઇતિહાસ રચી દીધો છે. રોહિતે શાહિદ આફ્રિદીને પાછળ રાખીને ODI ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા મારવાનો નવો વિશ્વ રેકોર્ડ બનાવી લીધો છે.
રેકોર્ડ તોડવા માટે ત્રણ છગ્ગાની જરૂર હતી
મેચ પહેલાં રોહિતને શાહિદ આફ્રિદીના 351 છગ્ગાના રેકોર્ડને પાછળ છોડવા માટે માત્ર ત્રણ 3 મારવાની જરૂર હતી. રોહિતે મેચમાં 3 છગ્ગા ફટકારી આ લક્ષ્ય સરળતાથી પ્રાપ્ત કર્યું અને હવે તેના ODI માં કુલ 352 છગ્ગા થઈ ગયા છે. જોકે આ રેકોર્ડ પહેલા પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી (351 છગ્ગા)ના નામે હતો.
ODI ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા
352 – રોહિત શર્મા (ભારત)*
351 – શાહિદ આફ્રિદી (પાકિસ્તાન)
331 – ક્રિસ ગેલ (વેસ્ટ ઇન્ડિઝ)
270 – સનથ જયસૂર્યા (શ્રીલંકા)
229 – એમ.એસ. ધોની (ભારત)
રોહિતની આ મેચમાં ઈનિંગ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પહેલી ODI મેચમાં રોહિતે 51 બોલમાં 57 રન બનાવ્યા હતા. તેના ઇનિંગમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગા શામેલ હતા.
રોહિત અને વિરાટ કોહલીએ બીજી વિકેટ માટે 136 રનની ભાગીદારી કરી. જે ભારતની ઈનિંગ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે. જોકે રોહિતને માર્કો જેન્સન દ્વારા LBW આઉટ કરવામાં આવ્યો.
650 આંતરરાષ્ટ્રીય છગ્ગા તરફ આગળ
રોહિત ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક વધુ વિશ્વ રેકોર્ડ બનાવી શકે છે. તેના નામે અત્યાર સુધી 645 આંતરરાષ્ટ્રીય છગ્ગા છે અને તે 650 છગ્ગા સુધી પહોંચનાર વિશ્વનો પહેલો બેટ્સમેન બની શકે છે. આ યાદીમાં તેના સૌથી નજીક ક્રિસ ગેલ છે, જેના નામે 553 છગ્ગા છે એટલે કે રોહિત તેમની કરતા ઘણો આગળ છે.