ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્મા પોતાની કારકિર્દીમાં પહેલી વાર વિશ્વનો નંબર-1 ODI બેટ્સમેન બન્યો છે. ICC એ બુધવારે નવીનતમ રેન્કિંગ જાહેર કરી. અગાઉ શુભમન ગિલ નંબર-1 હતો. રોહિત 781 રેટિંગ પોઈન્ટ સાથે ટોચ પર પહોંચ્યો છે. 38 વર્ષ અને 182 દિવસની ઉંમરે રોહિત ODI રેન્કિંગમાં સૌથી મોટી ઉંમરનો નંબર-1 બેટ્સમેન પણ બન્યો છે. તેણે સચિન તેંડુલકરનો 38 વર્ષ અને 73 દિવસનો રેકોર્ડ તોડ્યો છે.
રોહિતે ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીની અંતિમ મેચમાં સદી ફટકારી હતી જેના કારણે ભારત જીત્યું હતું. રોહિતે ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીમાં 101 ની સરેરાશથી 202 રન બનાવ્યા હતા. રોહિત ODI માં ટોચના સ્થાને પહોંચનાર પાંચમો ભારતીય છે. તે ODI રેન્કિંગમાં નંબર-1 રેન્ક પ્રાપ્ત કરનાર પાંચમો ભારતીય બેટ્સમેન છે. રોહિત પહેલા સચિન તેંડુલકર, એમએસ ધોની, વિરાટ કોહલી અને શુભમન ગિલ ટોચ પર પહોંચી ચૂક્યા છે.
કોહલી એક સ્થાન નીચે ગયો
વિરાટ કોહલીએ ત્રીજી વનડેમાં 74 રન બનાવ્યા હતા પરંતુ તેમ છતાં તે એક સ્થાન નીચે ગયો છે. તે હવે 725 રેટિંગ પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. શ્રેયસ ઐયરે એડિલેડ ઓવલ ખાતે રમાયેલી બીજી વનડેમાં ભારત માટે અડધી સદી ફટકારી હતી અને એક સ્થાન ઉપર 10માથી 9મા સ્થાને આગળ વધ્યો છે.
રાશિદ ખાન ટોચના વનડે બોલર
જોશ હેઝલવુડ બે સ્થાન ઉપર આવીને ODI બોલિંગ રેન્કિંગમાં આઠમા સ્થાને પહોંચી ગયો છે પરંતુ ભારતના કુલદીપ યાદવ છઠ્ઠાથી સાતમા સ્થાને સરકી ગયો છે. સ્પિનર એડમ ઝમ્પાએ બીજી ભારત-ઓસ્ટ્રેલિયા વનડેમાં ચાર વિકેટ લીધી હતી અને બે સ્થાન ઉપર હવે 12મા સ્થાને આગળ વધ્યો છે. દરમિયાન અફઘાનિસ્તાનનો ઓલરાઉન્ડર રાશિદ ખાન બોલિંગ રેન્કિંગમાં ટોચ પર છે.