Sports

રોહિત શર્મા બન્યો ICC T-20 ટીમનો કેપ્ટન, બુમરાહ સહિત આ ભારતીય ખેલાડીઓ ટીમમાં સામેલ

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ વર્ષ 2024ની મેન્સ ટી-20 (Mens T-20)ની જાહેરાત કરી છે. રોહિત શર્મા (Rohit Sharma)ને આ ટીમનો કેપ્ટન (Captain) બનાવવામાં આવ્યો છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે 2024નો T20 વર્લ્ડ કપ જીત્યો હતો. જો કે, T20 વર્લ્ડ કપ સમાપ્ત થયા પછી તરત જ રોહિત શર્માએ T20 ઇન્ટરનેશનલને અલવિદા કહી દીધું.

રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ 2024માં (T20 WorldCup2024) ત્રણ અડધી સદી ફટકારીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તેણે ઓસ્ટ્રેલિયા સામે 92 રનની આક્રમક ઇનિંગ પણ રમી હતી. રોહિતે પોતાની બેટિંગ ઉપરાંત કેપ્ટનશિપમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. રોહિતે ગયા વર્ષે 11 T20 મેચમાં 42.00ની એવરેજથી 378 રન બનાવ્યા હતા.

હાર્દિક પંડ્યાની વાત કરીએ તો તેણે ગયા વર્ષે T20 ઈન્ટરનેશનલમાં બોલ અને બેટથી પોતાની છાપ છોડી હતી. વર્ષ 2024માં ભારત માટે 17 T20 મેચમાં 352 રન બનાવવા ઉપરાંત હાર્દિકે 16 વિકેટ ઝડપી હતી. તેણે ભારતીય ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. T20 વર્લ્ડ કપ 2024માં હાર્દિકે 144 રન બનાવ્યા હતા અને 11 વિકેટ પણ લીધી હતી.

ગયા વર્ષે જસપ્રીત બુમરાહનું T20 ઈન્ટરનેશનલમાં પુનરાગમન શાનદાર રહ્યું હતું. ભારતના ફાસ્ટ બોલિંગ યુનિટમાં અગ્રણી બુમરાહે T20 વર્લ્ડ કપ 2024 દરમિયાન આઠ મેચોમાં 8.26ની જબરદસ્ત એવરેજથી 15 વિકેટ લીધી હતી.

બીજી તરફ અર્શદીપ સિંહ વર્ષ 2024માં T20 ઈન્ટરનેશનલમાં ભારતનો સૌથી સફળ બોલર હતો. તેણે 18 T20I માં 13.50 ની પ્રભાવશાળી સરેરાશથી 36 વિકેટ લીધી. અર્શદીપનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન T20 વર્લ્ડ કપ 2024માં હતું, જ્યાં તેણે આઠ મેચમાં 17 વિકેટ ઝડપી હતી.

ICC T20 ટીમ ઓફ ધ યર 2024: રોહિત શર્મા (કેપ્ટન), ટ્રેવિસ હેડ, ફિલ સોલ્ટ, બાબર આઝમ, નિકોલસ પૂરન (WK), સિકંદર રઝા, હાર્દિક પંડ્યા, રાશિદ ખાન, વાનિંદુ હસરંગા, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ

Most Popular

To Top