રોહિત-કોહલી બાદ હવે આ ભારતીય ખેલાડીએ પણ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની કરી જાહેરાત – Gujaratmitra Daily Newspaper

Sports

રોહિત-કોહલી બાદ હવે આ ભારતીય ખેલાડીએ પણ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની કરી જાહેરાત

ભારતીય ટીમે (Indian Team) બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર 29 જૂને T20 વર્લ્ડ કપની (World Cup) ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમને 7 રનથી હરાવીને ટ્રોફી જીતી હતી. આ ઐતિહાસિક જીત પછી વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્માએ તરત જ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે એક દિવસ પછી સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. જાડેજાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર વર્લ્ડ કપ ટ્રોફી સાથેનો ફોટો પોસ્ટ કરીને ચાહકોને આ માહિતી આપી હતી.

મેં હંમેશા મારું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો છે
રવિન્દ્ર જાડેજાએ નિવૃત્તિ અંગેની માહિતી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને લખ્યું કે મારા હૃદયથી આભાર સાથે હું T20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટને અલવિદા કહું છું. એક દૃઢ ઘોડાની જેમ હમેશા સરપટ દોડતા મેં હંમેશા મારા દેશ માટે મારું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો છે અને અન્ય ફોર્મેટમાં પણ આવું જ ચાલુ રાખવાનો મારો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતવી એ એક સ્વપ્ન સાકાર થવા જેવું હતું અને તે મારી T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની સૌથી મોટી ક્ષણ પણ છે. આ યાદો માટે અને તમારા સતત પ્રોત્સાહન માટે પણ આપ સૌનો આભાર.

T20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં રવિન્દ્ર જાડેજાનું પ્રદર્શન
T20 ઈન્ટરનેશનલમાં રવિન્દ્ર જાડેજાના પ્રદર્શનની વાત કરીએ તો તેણે 74 મેચોમાં 21.46ની એવરેજથી 515 રન બનાવ્યા છે, જેમાં તેનો સ્ટ્રાઈક રેટ 127.16 રહ્યો છે, જે દરમિયાન તે 17 ઈનિંગ્સમાં અણનમ રહીને પેવેલિયન પરત ફર્યો છે. જ્યારે બોલિંગમાં જાડેજાએ 71 ઇનિંગ્સમાં 29.85ની એવરેજથી 54 વિકેટ ઝડપી છે. જેમાં જાડેજાએ 15 રનમાં 3 વિકેટ આપીને મેચમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

Most Popular

To Top