Sports

રોજર ફેડરર 46 વર્ષ પછી ત્રીજા રાઉન્ડમાં પ્રવેશનારો સૌથી વધુ વય ધરાવતો ખેલાડી બન્યો

આવતા મહિને પોતાના જીવનના 40 વર્ષ પુરા કરનારો રોજર ફેડરર (roger federer) વિમ્બલડન (Wimbledon) ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ (tennis tournament)માં રિચર્ડ ગાસ્કેટને હરાવીને છેલ્લા 46 વર્ષમાં ત્રીજા રાઉન્ડમાં પ્રવેશનારો સૌથી વધુ વય ધરાવતો ખેલાડી બન્યો હતો.

39 વર્ષના ફેડરરે બીજા રાઉન્ડમાં ગાસ્કેટને 7-6, 6-1, 6-4થી હરાવ્યો હતો. આ પહેલા 1975માં ઓસ્ટ્રેલિયાનો કેન રોઝવોલ 40 વર્ષની વયે વિમ્બલડનના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ્યો હતો. ફેડરરે ગાસ્કેટની સામે પોતાની જીતનો રેકોર્ડ જાળવી રાખ્યો હતો, બંને વચ્ચે રમાયેલી છેલ્લી 10 મેચમાં ફેડરર જ જીત્યો છે અને આ દરમિયાન ફેડરરે એક પણ સેટ ગુમાવ્યો નથી. ફેડરર આગામી રાઉન્ડમાં બ્રિટનના યુવા ખેલાડી કેમરૂન નોરી સામે રમશે. વિમ્બલડનની કેરિયરમાં નોરીની સામે તેની આ 18મી મેચ હશે.

નંબર વન એશ બાર્ટી રશિયન એના બ્લિંકોવાને હરાવી ત્રીજા રાઉન્ડમાં પ્રવેશી
મહિલા ટેનિસ રેન્કિંગમાં નંબર વન ઓસ્ટ્રેલિયન ખેલાડી એશ બાર્ટી (એ વિમ્બલડનના બીજા રાઉન્ડમાં રશિયાની એના બ્લિંકોવાને સરળતાથી હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. બાર્ટીને બ્લિંકોવા સામેની આ મેચ 6-4, 6-3થી જીતવામાં કોઇ સમસ્યા નડી નહોતી અને તેણે સાવ જ સરળતાથી બ્લિંકોવાને હરાવી હતી. તેના ગ્રાઉન્ડ શોટ અને નર્વલેસ રિટર્ન જોવા જેવા હતા. તેની રમત જોઇને એવું લાગ્યું નહોતું કે તે બે વર્ષ પછી ગ્રાસ કોર્ટ પર પાછી ફરી છે.

યુવા ખેલાડી કોકો ગફે પોતાનાથી વધુ અનુભવી એલેના વેસ્નિનાને હરાવી
20મી ક્રમાંકિત અમેરિકન યુવા ટેનિસ ખેલાડી કોકો ગફે અહીં વિમ્બલડનના બીજા રાઉન્ડમાં પોતાનાથી વધુ અનુભવ ધરાવતી એલેના વેસ્નિનાને સીધા સેટમાં હરાવીને આગેકૂચ કરી હતી. બંને ખેલાડી વચ્ચે પહેલા સેટમાં જોરદાર લડત જોવા મળી હતી. જો કે કોકો ગફે આ સેટ 6-4થી જીતી લીધા પછી પોતાની જોરદાર સર્વિસ અને બેકહેન્ડ રિટર્ન્સની મદદથી ગફે બીજો સેટ પણ જીતીને આ મેચ 6-4, 6-3થી જીતી લીધી હતી.

Most Popular

To Top