શહેરના સચીન વિસ્તારમાં આવેલી બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કમાં પિસ્તોલની અણીએ આજે 20 મે ની બપોરે લૂંટ થતા ચકચાર મચી ગઈ છે. બાઈક પર આવેલા બે લૂંટારા 4.75 લાખની લૂંટ ચલાવી છે. સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસે તપાસ હાથ ધરી છે.
- સચિન સ્લમ બોર્ડ ખાતે આવેલ ગ્રામીણ બેન્કમાં ઘોળા દિવસે લૂંટનો બનાવ, લાખો રૂપિયાની લૂંટ
- ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા, બાઈક પર બે લૂંટારુઓ આવ્યા હોવાનું માહિતી
- સચિન પોલીસે CCTV ફૂટેજના આદરે તપાસ શરૂ કરી
પ્રાપ્ત માહિતી અનુસાર સચીન વિસ્તારમાં આવેલી બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કમાં આજે બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં ટોપી પહેરેલો એક શખ્સ ઘૂસ્યો હતો. આ ઈસમે પિસ્તોલ બતાવી બેન્કના બે કર્મચારીઓને બાનમાં લીધા હતા. બેન્ક કર્મચારીઓને એક રૂમમાં પુરી દઈ તે 4.75 લાખ લૂંટી ફરાર થઈ ગયો હતો.
આ ઘટના બેન્કની અંદર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે આરોપી ઈસમ સફેદ ટોપી પહેરી બેન્કમાં પ્રવેશે છે. તે સીધો કેશ કાઉન્ટર તરફ જાય છે અને પિસ્તોલ બતાવી કર્મચારીઓને ડરાવી કાઉન્ટરમાંથી રોકડ રકમ ઉપાડી લે છે.
અચાનક લૂંટની ઘટના બનતા બેન્કમાં ભયનો માહોલ સર્જાયો હતો. લૂંટારૂએ બેન્ક કર્મચારીઓને પિસ્તોલ બતાવી તેઓને રૂમમાં પુરી દીધા હતા અને ગણતરીની મિનિટોમાં રોકડા રૂપિયા લઈ ભાગી છૂટ્યો હતો.
ઘટનાની જાણ થતા સચીન પોલીસ મથકના અધિકારીઓ તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે. નાકાબંધી કરી દેવાઈ છે.