SURAT

પાંચ દિવસમાં રસ્તા રિપેર કરવા સુરતના મેયરનું મનપા અધિકારીઓને અલ્ટીમેટમ

સુરતઃ સ્માર્ટ સિટી સુરતના રસ્તાઓની હાલત છેલ્લાં ચાર મહિનાથી ખરાબ છે. વરસાદમાં ધોવાઈ જવાના લીધે શહેરના અનેક રસ્તાઓ પર મસમોટા ખાડા પડી ગયા છે. ખાડાવાળા રસ્તામાં વાહનો ચલાવી શહેરીજનોની કમર ભાંગી રહી છે, ત્યારે રહી રહીને હવે સુરતના મેયર જાગ્યા છે. મેયર દક્ષેશ માવાણીએ આજે તેમના કડક મિજાજનો પરચો સુરત મનપાના અધિકારીઓને કરાવ્યો હતો. મેયરે 5 દિવસમાં રસ્તા રિપેર કરવા અધિકારીઓને અલ્ટીમેટમ આપ્યું છે.

મેયર દક્ષેશ માવાણીએ આજે તમામ ઝોનના ઝોનલ ઓફિસર, ઝોનલ ચીફ અને વિવિધ સમિતિના ચેરમેનની તાકીદની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં રસ્તા પરના ખાડા, બંધ સ્ટ્રીટ લાઈટ મુદ્દે ચર્ચા થઈ હતી. મેયરે બેઠકમાં સાફ કહ્યું હતું કે, હવે કોઈ બહાનાબાજી ચાલશે નહીં. સોમવાર સુધીમાં ખાડા દૂર થઈ જવા જોઈએ અને લાઈટો ચાલુ થઈ જવી જોઈએ.

આ સાથે જ સોમવારે ફરી રિવ્યુ બેઠક બોલાવી જાતે સ્થળ પર રાઉન્ડ લઈ તપાસ કરશે તેવી ચીમકી પણ આપી હતી.
દરમિયાન આજથી જ મહાનગર પાલિકાના તમામ કમિટી ચેરમેનો રાઉન્ડ પર જઈ જાત તપાસ કરી મેયરને રસ્તા અને લાઈટની સ્થિતિ અંગે માહિતી આપતા રહેશે.

મેયર કેમ ગરમ થયા?
વાત એમ છે કે છેલ્લાં કેટલાંક દિવસોથી રસ્તા, સ્ટ્રીટ લાઈટની ફરિયાદ ઉઠતી હતી. દરમિયાન મેયરને એવી ફરિયાદ મળી કે કર્મચારીઓ યોગ્ય કામગીરી કરતા નથી. માત્ર દેખાડો કરે છે. આથી મેયર ગુસ્સે ભરાયા હતા અને આજે તાકીદની બેઠક બોલાવી અધિકારીઓને ખખડાવી અલ્ટીમેટમ આપ્યું હતું.

ડીએલપીના રસ્તાનો રિપોર્ટ માંગ્યો
ચાલુ વર્ષે ચોમાસું સિઝનમાં ડીએલપી હેઠળના કેટલાંક રસ્તા ધોવાઈ ગયા છે. આ રસ્તા રિપેર કરવા શું કાર્યવાહી કરાઈ તેનો રિપોર્ટ બુધવારે સાંજ સુધીમાં રજૂ કરવા મેયરે આદેશ કર્યો છે. આ ઉપરાંત હાઈડ્રોલિક, ડ્રેનેજનું કામ ચાલતું હોવાથી રસ્તા રિપેર થતા નથી તેવા બહાના અધિકારીઓ બતાવ્યા હતા. ત્યારે મેયરે બંને વિભાગના અધિકારીઓને સાથે હાજર રાખી યોગ્ય સંકલન સાધી ઉકેલ લાવવા આદેશ કર્યો છે.

મેયરે કહ્યું, હું જાતે રાઉન્ડ લઈશ
મેયર દક્ષેશ માવાણીએ અધિકારીઓને 5 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. આ સાથે જ મેયરે ચીમકી ઉચ્ચારી હતી કે 3 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. રવિવાર સુધીમાં ઝોન કક્ષાએ રસ્તા-લાઈટ રિપેર થઈ જવા જોઈએ. સોમવારથી હું જાતે તમામ વિસ્તારોનો રાઉન્ડ લઈ. કામગીરી પૂર્ણ નહીં થઈ હશે તો કાર્યવાહી કરાશે.

Most Popular

To Top