SURAT

સુરતીઓ પાલિકાની આ વાત તો માને જ નહીં, કહે છે રસ્તા પર ખાડા…

સુરત : ભારે વરસાદમાં શહેરના 400થી વધુ રસ્તાઓ પર ધોવાણ થયું હોવાના રીપોર્ટ બાદ વરસાદ બંધ થઇ જતા બે હોટમિક્સ પ્લાન્ટ ચાલુ કરી દેવાયા છે. અને યુદ્ધના ધોરણે રસ્તા રીપેરીંગ હાથ ધરાયું હોવાનો દાવો મનપાનું તંત્ર કરી રહ્યું છે. પાલિકાએ એક દિવસમાં 100થી વધુ જગ્યા પર રસ્તા રીપેર કરાયા હોવાનો દાવો કર્યો હતો. જો કે સ્થાયી સમિતિની મીટીંગમાં સભ્યોએ રસ્તા રીપેરીંગની કામગીરીમાં ચીવટ નહીં રખાતી હોવાની ફરિયાદ કરી હતી.

  • શહેરમાં રસ્તાઓ હજુ ચંદ્રની ધરતી જેવા છતા, 100થી વધુ જગ્યા પર રસ્તા રીપેર કરાયાનો મનપાનો દાવો
  • જો કે સ્થાયી સમિતિની મીટીંગમાં સભ્યોએ વરસાદ બંધ થયાના ચાર દિવસ બાદ પણ ખાડાઓ યથાવત હોવાની ફરિયાદ કરી

મનપાના દાવા મુજબ આજે જુદા જુદા ઝોનના ટેકનિકલ કેડરના કુલ ૧૪૦ સ્ટાફ અને કુલ ૬૬૭ બેલદારો-ડ્રાઇવરો તથા ૧૪૫ જુદી જુદી મશીનરીઓ સાથે રસ્તા રીપેરીંગની કામગીરી હાથ ધરાઇ હતી, તેમજ એક જ દિવસમાં ૨૦૩.૪૭૦ ટન હોટમિક્સ મટિરિયલ તેમજ ૭૩૦.૩૨ મે.ટન જીએસબી- ફીલિંગ મટિરિયલ નો ઉપયોગ કરી ૯૩૩.૭૯ મે.ટન મટિરિયલ વાપરી 100થી વધુ સ્પોટ ઉપર રસ્તાની રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

તેમજ જેટ પંચીંગ પદ્ધતિનો ઉપયોગ કરી જેટ પેચર મશીનથી ૦૭ સ્પોટ ઉપર ૮૦.૦૦ ચો.મી માપ વિસ્તારમાં પેચવર્ક કરવામાં આવ્યા છે. જો કે સ્થાયી સમિતિની મીટીંગમાં કતારગામ ઝોનના કોર્પોરેટર ઘનશ્યામ સવાણીએ રજૂઆત કરી હતી કે, શહેરમાં રસ્તા રીપેરીંગની કામગીરીમાં ચીવટ જણાતી નથી ઘણી જગ્યાએ તો ખાડા પુરવામાં મોટા મોટા રોળા નાંખી દેવાતા વાહનચાલકો મુશકેલીમાં મુકાઇ રહ્યાં છે અને અકસ્માતનો ભય વધ્યો છે.

Most Popular

To Top