સુરત: છેલ્લા ઘણાં સમયથી તુટેલા રસ્તાઓ બાબતે તંત્ર પર પસ્તાળ પડી રહી છે. પરંતુ હવે ચૂંટણી નજીક આવતા જ પૂર્વ કોર્પોરેટરો અને નેતાઓ પ્રજાના પ્રશ્નો બાબતે દોડતા થયા છે.
ચૂંટણી નજીક આવતા જ નેતાઓ પ્રજાના પ્રશ્નો લઇને દોડતા થયા : પૂર્વ કોર્પોરેટર અસદ કલ્યાણીએ આવેદનપત્ર આપ્યું
કોટ વિસ્તારના મુખ્ય માર્ગો તથા મહોલ્લાઓ, શેરીઓ છેલ્લા ચાર મહિનાથી ખરાબ હાલતમાં હોવાને કારણે સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકો માટે મુશ્કેલીઓ વધી રહી હોવાના આક્ષેપ સાથે પૂર્વ કોંગી કોર્પોરેટર અસદ કલ્યાણીએ કોટ વિસ્તારના રસ્તાઓની ખરાબ હાલત બાબતે રજૂઆત કરી આંદોલનની ચીમકી આપી છે.
રજુ્આતમાં જણાવ્યા મુજબ ચાર મહિના પહેલા રસ્તાઓ ખોદી નાંખવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ મરામતની કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.
રસ્તાઓમાં ઊંડા ખાડા અને ગાબડાં પડી ગયાં છે, જેના કારણે ટુ-વ્હીલર ચાલકોને સંતુલન ગુમાવી અકસ્માતનો ભય રહે છે. સગરામપુરા, મહિધરપુરા અને ગોપીપુરા જેવા વ્યસ્ત વિસ્તારોમાં રોજ હજારો લોકો અવરજવર કરે છે, પરંતુ રસ્તાની હાલતને કારણે ધૂળ, કાદવ અને ખાડાઓ વચ્ચે લોકોને કફોડી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક જગ્યાએ નાળાના ઢાંકણાં પણ તૂટી ગયેલા હોવાથી પગપાળા જતા લોકોને ઈજાની શક્યતા વધતી જાય છે.
આ અંગે અનેક વખત મનપાને લેખિત તેમજ ઑનલાઇન ફરિયાદો કરી છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ખાસ કરીને મજૂરાગેટથી કોટસફિલ રોડ, સૈયદપુરા, હોડીબંગલા અને ભાગળ વિસ્તાર સુધીના મુખ્ય રસ્તાઓ પરથી પસાર થવું લોકો માટે અતિ મુશ્કેલ બની ગયું છે. જો તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આવતા દિવસોમાં આ વિસ્તારના રહેવાસીઓ તંત્ર સામે આંદોલનના મૂડમાં આવી જશે તેવી ચર્ચા પણ સ્થાનિક સ્તરે ચાલી રહી છે.