Charchapatra

ભારતમાં માર્ગ સલામતી જાગૃતિ અપીલ

રસ્તા પરિવહન વિભાગના 2023ના આંકડા મુજબ રસ્તા અકસ્માતોમાં કુલ મૃત્યુના 45 ટકા મૃત્યુ ટુ-વ્હીલર સવારોના થયા હતા. 2014માં આ આંકડો ફક્ત 30 ટકા હતો. એટલે છેલ્લા દાયકામાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. 2023માં દર કલાકે 9 ટુ-વ્હીલર સવારો પોતાનો જીવ ગુમાવે છે અને સૌથી ચોંકાવનારી હકીકત એ છે કે આમાંથી સૌથી વધુ મૃત્યુ ગ્રામીણ વિસ્તારોમાં નોંધાયા છે. છેલ્લા દસ વર્ષમાં રસ્તા પર ચાલતા લોકોના મૃત્યુ ત્રણ ગણા થયા, સાયકલ સવારોનાં મૃત્યુ 13 ટકા વધ્યાં અને ટુ-વ્હીલર સવારોનાં મૃત્યુ બમણા થયા. જ્યારે કાર, બસ, ટ્રક અને અન્ય વાહનોથી થતા મૃત્યુ ઓછા બન્યા છે.

2022માં દેશમાં નોંધાયેલા કુલ વાહનોમાંથી 74 ટકા ટુ-વ્હીલર જ હતા. 2014માં જ્યાં 13.9 કરોડ ટુ-વ્હીલર હતા, ત્યાં 2022માં આ સંખ્યા વધીને 26.3 કરોડ થઈ ગઈ છે. આટલી ઝડપથી વધતા વાહનો… રસ્તાઓ પર વધી રહેલી ભીડ… ઝડપી ગતિ… અને બેદરકારીથી ચલાવવાનું વર્તન – આ બધું મળીને આજે આપણો રસ્તો જીવલેણ બની ગયો છે. એક વિનંતી… હેલ્મેટ ફક્ત દંડથી બચવા માટે નથી, હેલ્મેટ જીવન બચાવવા માટે છે. અકસ્માત તો ફક્ત એક ક્ષણનું છે… પણ નુકસાન આખું જીવન બગાડી નાખે છે. દરેક મુસાફરી નાની હોય કે મોટી માટે હેલ્મેટ ફરજિયાત બનાવો. સરકારે કાયદા કડક કરવા જોઈએ… પણ જવાબદારીપૂર્ણ વર્તન અપનાવવાનો સમય આપણો છે.
પરવટ ગામ, સુરત -આશિષ ટેલર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top