ઉમરગામ(Umargam) : સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (એસઆઈએ) પ્રતિનિધિ મંડળ તથા ઉદ્યોગપતિઓ શનિવારે (Saturday) વાપી જન સંપર્ક કાર્યાલય ખાતે ગુજરાત (Gujarat) રાજ્યના નાણાં મંત્રી અને પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇને (Kanubhai Desai) મળી સીઈટીપીની ક્ષમતા વધારવા તથા સરીગામ જીઆઇડીસીને (GIDC) જોડતો બે કિલોમીટર લાંબો બાયપાસ રોડ (Road) ખુબ જ ખરાબ થઈ ચૂક્યો હોય પડી રહેલી મુશ્કેલીઓ ધ્યાનમાં લેતા તાકીદે આ રસ્તાની મરામત કરવા તેમજ રસ્તો નવો બનાવવા રજૂઆત કરી હતી. આ સમયે વાપી સરીગામના ઉદ્યોગપતિ શિરીષભાઈ દેસાઇ, કમલેશભાઈ ભટ્ટ, સજ્જન મુરારકા, નિર્મલ દૂઘાણી, સમીમ રીઝવી, કિશોર ગજેરા, કૌશિક પટેલ, બી.કે દાયમાજી, નીતિન ઓઝા ઉપસ્થિત રહ્યા હતા. કનુભાઇ દેસાઇએ પૂરતો સહયોગ આપવાની ખાતરી આપી હતી.
સુથારપાડા સી.એચ.સી.ની આકસ્મિક મુલાકાત લેતા પાણી પુરવઠા મંત્રી જીતુ ચૌધરી
રાજ્યના પાણી પુરવઠા મંત્રી અને કપરાડા ના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ કપરાડા તાલુકાના સુથારપાડા ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત લઈ આરોગ્યલક્ષી સેવાઓ અંગે માહિતી મેળવી હતી.હાલ કોરોના ના વધતા કેસો ને જોતા સ્થાનિક કક્ષાએ લોકોને તબીબી સુવિધાઓ ત્વરિત મળી શકે તે જરૂરી છે.જેને અનુલક્ષીને સામુહિક આરોગ્ય કેન્દ્ર માં વિવિધ સ્વાસ્થ્યલક્ષી સુવિધાઓ અને તેમને નડતી સમસ્યાઓ જાણી હતી.સાથે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે સ્વાસ્થ્યકર્મીઓ સાથે ચર્ચા- વિચારણા કરી જરૂરી સૂચનો કર્યા હતા. આ પ્રસંગે કપરાડા ભાજપ પ્રમુખ રમેશભાઈ ગાંવિત, વલસાડ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ગુલાબભાઈ રાઉત, કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ , જિલ્લા પંચાયત સભ્ય મીનાક્ષીબેન ગાંગોડા હાજર રહ્યા હતા.