લીમખેડા: લીમખેડા નગરમાં અગામી 20 મીના રોજ નીકળનારી છઠ્ઠી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાની તડામાર તૈયારીઓ રથયાત્રા સમિતિ દ્વારા ચાલી રહી છે તો એક તરફ રથયાત્રાને અનુલક્ષીને અધિક કલેકટર દ્વારા જાહેરનામા પણ બહાર પાડી દેવામાં આવ્યા છે.હવે રથયાત્રાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે નગરમાં પડેલા ઠેર-ઠેર ખાડાઓ પુરવા અંગે માર્ગ મકાન વિભાગની ઘોર નિષ્કાળજી દાખવતું હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે.નગરમાં માર્ગના ઠેર-ઠેર ખાડાઓ પડેલા જોવાઈ રહ્યા છે.જે અંગે રથયાત્રા સમિતિએ આર.એન.બી વિભાગને જાણ કરી છતાએ માર્ગમાં પડેલા ખાડાઓ પુરવામાં નિષ્ફળ નિવડેલા આરએનબી વિભાગ ગાઢ નિંદ્રામાં પોઢી ગયું હોય તેમ હાલના તબક્કે લાગી રહ્યું છે.ત્યારે રથયાત્રા દરમિયાન ખાડા ટેકરાવાળા રસ્તામાં કોઈ સમસ્યા સર્જાશે તો તેનો જવાબદાર કોણ..? તે સવાલ પણ લીમખેડા પંથકમાં જોરશોરથી ઉઠવા પામ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર લીમખેડા નગરમાં આગામી 20 મી જૂનના રોજ છઠ્ઠી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા લીમખેડા રામજી મંદિરથી દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર, રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ,લીમખેડા ધારાસભ્ય શૈલેશ ભાભોર તથા લીમખેડાના સરપંચના હસ્તે પહિન્દ વિધિ થયા બાદ નીકળશે. આ રથયાત્રા નગરના જુદા-જુદા માર્ગો ઉપરથી પસાર થવાની છે. તે માર્ગો ઉપર મોટા મોટા ખાડા છેલ્લા કેટલાય સમયથી પડેલા જોવા મળી રહ્યા છે.જે પૂરણ કરવામાં આર.એન.બી વિભાગ નિંદ્રાધીન અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે.પોલીસ વિભાગ તરફથી રથયાત્રા દરમિયાન ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું છે.