National

“કોંગ્રેસના માથા પર બંદૂક રાખીને RJDએ મુખ્યમંત્રીનું પદ છીનવી લીધું,” PM મોદીએ આવું કેમ કહ્યું..?

બિહારમાં ચૂંટણી ગરમાઈ રહી છે. જેમા આજ રોજ તા. 2 નવેમ્બર પ્રચાર અભિયાન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરામાં યોજાયેલી વિશાળ રેલીમાં મહાગઠબંધન પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે આરજેડીએ કોંગ્રેસના માથા પર બંદૂક રાખીને મુખ્યમંત્રી પદ ચોરી લીધું અને આ સાથે કોંગ્રેસ અને આરજેડી વચ્ચેના આંતરિક ઝઘડાનો ખુલાસો કર્યો.

પીએમ મોદીએ આરામાં ઉમટી પડેલી ભીડને સંબોધતા કહ્યું, “આરા આજે છલકાઈ ગયું છે. જે દર્શાવે છે કે બિહારના લોકો NDA સરકાર બનાવવા માટે પ્રતિબદ્ધ છે.” તેમણે ઉમેર્યું કે NDAએ બિહારને જંગલરાજમાંથી બહાર લાવ્યો છે. અને હવે લોકો ફરી તે અંધકારયુગમાં જવાનું સ્વપ્ન પણ નહીં જુએ.

“એક કરોડ નોકરીઓ બનાવાશે” : મોદી
મોદીએ NDAના ઘોષણાપત્રનો ઉલ્લેખ કરતાં કહ્યું કે બિહારના યુવાનો માટે એક કરોડ નવી નોકરીઓનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. “અમે બિહારના યુવાનોને બિહારમાં જ રોજગાર આપવાનો સંકલ્પ કર્યો છે. અમારી યોજના સ્પષ્ટ છે અને તેની અમલવારીની દિશા પણ જનતા સમક્ષ છે,”

કિસાન સન્માન નિધિમાં વધારો
મોદીએ કહ્યું કે NDA સરકાર નાના ખેડૂતો માટે “કિસાન સન્માન નિધિ” હેઠળ રૂ 6,000ની સહાય આપે છે અને નવી NDA સરકાર તેને રૂ 9,000 સુધી વધારવાની યોજના ધરાવે છે. તેમણે દાવો કર્યો કે બિહાર હવે પૂર્વ ભારતનું ટેક, કાપડ અને પર્યટન કેન્દ્ર બનવા જઈ રહ્યું છે.

કોંગ્રેસ અને આરજેડી પર આક્ષેપો

મોદીએ કોંગ્રેસ અને આરજેડી બંને પર બિહારની ઓળખ નાશ કરવાનો આરોપ લગાવ્યો. “આ લોકો બિહારમાં ઘૂસણખોરોના સમર્થનમાં કૂચ કરી રહ્યા છે. તેઓ તુષ્ટિકરણની રાજનીતિમાં વ્યસ્ત છે”.

મોદીએ આરોપ મૂક્યો કે કોંગ્રેસની ઓળખ શીખોના નરસંહાર સાથે જોડાયેલી છે અને તેમણે હંમેશા બાબા સાહેબ આંબેડકર, બાબુ જગજીવન રામ અને સીતારામ કેસરી જેવા મહાન નેતાઓનું અપમાન કર્યું છે.

ધાર્મિક તહેવારોનો અપમાન: મોદીનો આક્ષેપ
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આરજેડી અને કોંગ્રેસના નેતાઓએ પ્રયાગરાજ મહાકુંભ અને છઠ મહાપર્વ જેવા પવિત્ર તહેવારોનું અપમાન કર્યું છે. બિહારના લોકો આવા અપમાનને ક્યારેય માફ નહીં કરે.

મોદીના આ ભાષણથી સ્પષ્ટ થયું કે NDA ચૂંટણીમાં વિકાસ અને ધાર્મિક ગૌરવના મુદ્દાઓ સાથે જંગલરાજના ભયને મુખ્ય હથિયાર તરીકે ઉપયોગ કરી રહી છે.

Most Popular

To Top