બિહારમાં ચૂંટણીની ગરમાવો વચ્ચે રાજકીય નાટક ચરમસીમાએ છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના એક નેતાએ ટિકિટ ન મળતાં પોતાનો કુર્તો ફાડી નાખ્યો અને લાલુ પ્રસાદ યાદવના ઘરની બહાર જોરદાર રડ્યા. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
લાલુ-રાબડીના ઘરની બહાર નાટક
મોતીહારી જિલ્લાના મધુબન વિધાનસભા બેઠકના આરજેડી નેતા મદન શાહ ટિકિટ ન મળતાં ગુસ્સે થઈ ગયા. તેમણે સીધા લાલુ પ્રસાદ યાદવના ૧૦ સર્ક્યુલર રોડ સ્થિત નિવાસસ્થાને પહોંચી પોતાનો કુર્તો ફાડી નાખ્યો અને જમીન પર સૂઈને વિરોધ કર્યો. આ દરમિયાન હાજર લોકોએ આખો બનાવ મોબાઈલમાં કેદ કર્યો. જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મદન શાહે જણાવ્યું કે તેમણે ૧૯૯૦થી પાર્ટી માટે સતત કામ કર્યું છે પરંતુ આ વખતે તેમની ટિકિટ પૈસા લઈને બીજા ઉમેદવારને આપી દેવામાં આવી. શાહે કહ્યું “મારી પાસેથી બે કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. પૈસા ન આપતાં મારી ટિકિટ રદ કરી દેવામાં આવી અને ડૉ. સંતોષ કુશવાહાને આપી દેવામાં આવી.”
પાર્ટી પર ગંભીર આક્ષેપો
મદન શાહે આરજેડીના સાંસદ સંજય યાદવ પર સીધો આરોપ લગાવ્યો કે તેમણે ટિકિટની દલાલી કરી છે. તેમના કહેવા મુજબ “આજે પાર્ટીમાં સમર્પિત કાર્યકરોને અવગણવામાં આવે છે અને પૈસાવાળાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે.”
આરજેડી નેતાના આ આરોપો બાદ બિહારની રાજનીતિમાં ગરમાવો વધી ગયો છે. કેટલાક સ્થાનિક નેતાઓએ શાહને શાંત રહેવાની સલાહ આપી છે. જ્યારે વિરોધી પક્ષોએ આ ઘટનાને લઈને આરજેડી પર “ભ્રષ્ટ ટિકિટ વિતરણ”નો આરોપ લગાવ્યો છે.
2020માં પણ લડ્યા હતા ચૂંટણી
મદન શાહે 2020ની ચૂંટણીમાં પણ આરજેડીના પ્રતીક પર મધુબનથી ચૂંટણી લડી હતી પરંતુ તે વખતે તેઓ ફક્ત 2000 મતથી હારી ગયા હતા. આ વર્ષે ફરી ઉમેદવારીની આશા રાખી રહ્યા હતા. પરંતુ ટિકિટ અન્ય ઉમેદવારને અપાતાં તેમણે ખુલ્લેઆમ અસંતોષ વ્યક્ત કર્યો.
આ બનાવથી આરજેડીના આંતરિક મતભેદો ફરી એકવાર જાહેરમાં આવ્યા છે, જે પાર્ટી માટે ચિંતાનો વિષય બની શકે છે.