બિહારની રાજધાની પટનામાં બુધવારે રાત્રે આરજેડીના નેતા અને જમીન વેપારી રાજકુમાર રાય ઉર્ફે આલા રાયની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સમગ્ર ઘટના ચિત્રગુપ્ત નગર પોલીસ સ્ટેશન વિસ્તારના મુન્ના ચક લેન નંબર 17 પર રાત્રે લગભગ 9.55 વાગ્યે બની હતી. ગુનેગારો પહેલેથી જ તેમની રાહ જોઈ રહ્યા હતા અને તેમણે રાજકુમાર રાય પર અચાનક હુમલો કર્યો હતો.
કેવી રીતે ગોળીબાર થયો?
રાજકુમાર રાય બોલેરો કારમાં ઘરે આવી રહ્યા હતા. ડ્રાઈવર કાર પાર્ક કરી રહ્યો હતો. ત્યારે તેઓ ઘરે જવા શેરી તરફ આગળ વધ્યા. આ દરમિયાન બે ગુનેગારો અચાનક પાછળથી આવીને તેમની પીઠમાં પહેલી ગોળી મારી, ઘાયલ રાજકુમાર દોડીને નજીકની દુકાનમાં ઘૂસ્યા પરંતુ ગુનેગારોએ તેમનો પીછો કરીને સતત ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ ગુનેગારો ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા હતા.
ગોળીબારને કારણે દુકાનનું ફ્રીઝર પણ તૂટી ગયું હતું. સ્થાનિક લોકોની મદદથી રાજકુમારને પીએમસીએચ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ગુનેગારોએ સાતથી આઠ રાઉન્ડ ગોળીઓ ચલાવી હતી. ઘટનાસ્થળેથી ત્રણ જીવંત ગોળીઓ અને ત્રણ ખાલી ખોખા મળ્યા છે. પોલીસે સીસીટીવી ફૂટેજ જપ્ત કર્યા છે અને ડ્રાઈવરની પણ પૂછપરછ કરી રહી છે. પોલીસ હાલ વ્યક્તિગત દુશ્મનાવટ, જમીન વિવાદ કે રાજકીય કારણો જેવા બધા એંગલથી તપાસ કરી રહી છે.
મૃતક રાજકુમાર રાય વૈશાલી જિલ્લાના રાઘોપુર બ્લોકના મીરાંપુર ગામના રહેવાસી હતા. તેઓ છેલ્લા દાયકાથી પટનાના મુન્ના ચક રોડમાં રહેતા હતા. તેમની પત્ની, બે પુત્રીઓ અને પરિવારના અન્ય સભ્યો છે.
રાજકુમારની રાજકીય સફર
તેમની રાજકીય સફર પણ નોંધપાત્ર રહી છે. 2006 અને 2011માં તેમણે મલિકપુર પંચાયતથી મુખિયાની ચૂંટણી લડી હતી. ત્યારબાદ 2016 અને 2021માં જિલ્લા પરિષદની ચૂંટણીમાં પણ ઉતર્યા હતા. આ ઉપરાંત તેઓ આરજેડી પંચાયતી રાજ સેલના જિલ્લા પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
જોકે તેમણે થોડા મહિના પહેલા આરજેડી સાથેના સંબંધો તોડી નાખ્યા હતા અને રાઘોપુર વિધાનસભામાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હતા.
ગુરુવારે સવારે તેમનું મૃતદેહ તેમના વતન સબલપુર પહોંચતા જ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સેકડો લોકો તેમના અંતિમ સંસ્કારમાં જોડાયા અને પરિવારને સાંત્વના આપી. રાજકુમાર રાય લાંબા સમયથી સામાજિક કાર્યમાં સક્રિય હતા અને મંદિરો તથા સમાજસ્થળો પર સહાય પૂરી પાડતા હતા.
આ હત્યાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. પોલીસ તપાસ ચાલુ છે. પરંતુ રાજકીય અને વ્યક્તિગત દુશ્મનાવટને કારણે હત્યા થઈ હોવાની શક્યતાઓ છે.