સુરતઃ સુરત શહેર-જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસું ફરી જામ્યું હોય તેવી સ્થિતિ ઉદ્દભવી છે. છેલ્લાં બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે, તો બીજી તરફ અસરગ્રસ્તોને મદદ પહોંચાડી શકાય તે માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા 24×7 હેલ્પલાઈન નંબર ચાલુ કરાયો છે. આ નંબર પર ફોન કરવાથી તંત્ર તરત જ મદદ માટે પહોંચી જશે.
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે સુરતના નિચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદના પગલે પાણી ભરાવાની સ્થિતિ ઉત્પન્ન થાય તેવા સમયે તાત્કાલિક બચાવ કામગીરી તેમજ સ્થળાંતરની કામગીરી કરી શકાય તે માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ દ્વારા સતત વરસાદની ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા હેલ્પલાઈન નંબર ચાલુ કરાયો
દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું હોવાના કારણે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ દ્વારા વરસાદની તમામ ગતિવિધિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. 24 કલાક માટે હેલ્પલાઇન નંબર પણ ચાલુ કરાયો છે. પાણી ભરાય તો અસરગ્રસ્તોનું કઈ રીતે રેસ્ક્યુ કરી શકાય અને લોકોને ક્યાં સ્થળાંતર કરી શકાય તે તમામ બાબતો પર પણ કામગીરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે.
સુરત જિલ્લાના 7 રસ્તા બંધ કરાયા
ભારે વરસાદના પગલે સુરત જિલ્લાની નદીઓમાં જળ સ્તર વધ્યું છે. જેના લીધે ગ્રામ પંચાયત હસ્તકના 7 રસ્તા બંધ થયા છે. 7 રોડમાં માંડવીના 6 અને માંગરોળના 1 રસ્તાનો સમાવેશ થાય છે. કોઝવે ઓવરટોપિન્ગના કારણે આ 7 રસ્તા બંધ થયા છે અને પાણીનું સ્તર ઉતરતા ફરીથી વાહન વ્યવહાર આ રસ્તા પર શરૂ કરવામાં આવશે.