અમદાવાદ : અમદાવાદના (Ahmedabad) સાબરમતી રિવરફ્રન્ટ ઉપર નવા તૈયાર થયેલા અટલ ફૂટ બ્રિજનું તાજેતરમાં જ વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું. સાથે જ આ ફૂટ ઓવરબ્રિજ લોકોના આકર્ષણનું કેન્દ્ર બને તે માટે તેની ખાસ વિશેષતાઓ પણ રજૂ કરાઈ હતી. બે જ દિવસમાં એક લાખથી વધુ લોકો આ બ્રિજને જોવા ઉમટી પડ્યા હતા.
આજે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા અટલ ફૂટ ઓવર બ્રિજ ઉપર જવા માટે ટિકિટનો દર લાદવામાં આવ્યો છે, એટલે હવે અટલ ફુટ ઓવરબ્રિજ ઉપર મફતમાં સેલ્ફી લઈ શકાશે નહીં. અહીં ટિકિટોના દરમાં બાર વર્ષથી ઉપરના લોકો માટે રૂપિયા 30 અને 12 વર્ષથી નાના બાળકો તેમજ 60 વર્ષથી ઉપરના લોકો માટે રૂપિયા 15 ચાર્જ લેવાનો નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે વિકલાંગો માટે પ્રવેશ ફ્રી રાખવામાં આવ્યો છે. મુલાકાતીઓ આ બ્રિજ ઉપર માત્ર 30 મિનિટ સુધી જ ફરી શકશે. તેનાથી વધુ સમય બ્રીજ ઉપર રહી શકશે નહીં, એટલે મુલાકાતીઓએ એક મિનિટનો એક રૂપિયો ચાર્જ ચૂકવવો પડશે. આ ઉપરાંત ફેરિયાઓને અહીં પ્રવેશ આપવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. મુલાકાતીઓ આ બ્રિજ પર રમતગમતના સાધનો લઈ જઇ શકશે નહીં. આગામી 31 ઓગસ્ટથી ચાર્જ લેવામાં આવશે.
જણાવી દઈએ કે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી નદી ઉપર એલિસ બ્રિજ તથા સરદાર બ્રિજની વચ્ચે રૂપિયા 74 કરોડ 29 લાખના ખર્ચે ફુટ ઓવર બ્રિજ તૈયાર કરાયો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર નવનિર્મિત અટલ ફૂટઑવર બ્રિજનું PM મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ફુટ ઓવર બ્રિજની પ્રેરણા પતંગ તેમજ ઉત્તરાયણની ઉજવણી પરથી લેવામાં આવી છે. તે ગ્લાસ ફુટ ઓવર બ્રિજ, સરદાર બ્રિજ અને એલિસ બ્રિજ વચ્ચે બનાવવામાં આવ્યો છે. આઇકોનીક બ્રિજ રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ તેમજ અમદાવાદ શહેર માટે એક સ્ટેટસ બનશે. આ બ્રિજ એક એન્જિનિયરિંગ અજાયબી તરીકે ઓળખાશે.