SURAT

તાપી નદી ઉભરાઈ, સુરતના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા

સુરતઃ ગયા શનિવારથી સુરત શહેર, જિલ્લા તથા ઉકાઈના ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, તેના પગલે ઉકાઈ ડેમમાંથી છેલ્લાં ત્રણ દિવસથી સતત મોટા જથ્થામાં પાણીની આવક થઈ રહી છે. હથનુર અને પ્રકાશા ડેમમાં ત્રણ દિવસથી દોઢ લાખથી લઈ સાડા ત્રણ લાખ ક્યૂસેક પાણીની આવક છે, તેના પગલે ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવું એ વહીવટી તંત્ર માટે મોટો પડકાર બન્યો છે. તેથી ઉકાઈ ડેમમાંથી ત્રણ દિવસથી સતત અઢી લાખ ક્યૂસેક કરતા વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે. તેના પગલે સુરત શહેર અને જિલ્લામાંથી પસાર થતી તાપી નદી ઉભરાઈ છે. સુરત મહાનગર પાલિકાએ ફ્લડ ગેટ બંધ કરવાની ફરજ પડી છે, પરિણામે સુરત શહેરમાં ગટરિયા પૂરની સ્થિતિ ઉદ્દભવી છે. શહેરના કેટલાંક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે.

ઉકાઈ ડેમમાં મંગળવારે પણ 2.31 લાખ ક્યૂસેકની આવક
છેલ્લાં ત્રણ દિવસથી સતત ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ રહી છે. આજે મંગળવારે તા. 27 ઓગસ્ટના રોજ સવારે 10 કલાકે પણ ઉકાઈ ડેમમાં 2,31,478 ક્યૂસેક પાણીની આવક નોંધાઈ હતી. રૂલ લેવલ જાળવવા માટે તંત્રએ 2,47,369 આઉટફલો જાળવી રાખ્યો છે. હાલમાં ઉકાઈ ડેમની સપાટી 336.39 પર મેઈન્ટેન કરવામાં આવી રહી છે.

તાપી નદી બે કાંઠે વહેવા લાગી
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાંથી સતત અઢી લાખ ક્યૂસેક કરતા વધુ પાણી છોડવામાં આવી રહ્યું હોવાની અસર તાપી નદીના જળસ્તર પર જોવા મળી છે. રવિવારથી જ તાપી નદીનું જળસ્તર વધ્યું છે. તેના પગલે તાપી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેથી અડાજણ અને કતારગામ વિસ્તારમાં કેટલાંક લોકોનું સ્થળાંતર કરાયું છે.

અડાજણ-કતારગામમાં લોકોનું સ્થળાંતર કરાવાયું
વેડ રોડ, વેડ દરવાજાથી પંડોળ ઇન્ડસ્ટ્રી સુધીના રસ્તા પર ફ્લડ ગેટ બંધ થતાં ગટરનાં પાણી બેેક થયા હતા. અડાજણના રેવાનગરમાંથી 25 ઓગસ્ટની રાત્રે જ તંત્ર દ્વારા 27 પરિવારોનું સ્થળાંતર કરાવી દેવાયું હતું. 26 ઓગસ્ટની રાત્રે વધુ 3 પરિવારોનું સ્થળાંતર કરાવાયું હતું. તમામને નજીકની શાળામાં રાખવામાં આવ્યા છે. દરમિયાન રેવાનગરમાં પાણી ભરાયા છે. સુરતના પંડોળ રોડ ઉપર ભરાયા પાણી છે. ફ્લડ ગેટ બંધ કરતાં પાણી બેક મારી રહ્યા છે. ગટરિયા પાણીના કારણે લોકોને મુશ્કેલી થઈ રહી છે. મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા ભારે હાલાકી છે. ગોવાળિયો શેરી, હોડી બંગલા પાસે, કાચા મકાન પર ઝાડ પડવાથી ઘરમાં ફસાયેલ ચાર વ્યક્તિઓ શીતલબેન મેવાડ, રાશિ મેવાડા, હીનાબેન મેવાડા, પ્રેમ મેવાડાને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.

પોલીસે જપ્ત કરેલા વાહનો પાણીમાં ગરકાવ
તાપી નદી બે કાંઠે થવાને કારણે અનેક જગ્યાએ પાણી તાપી કિનારાથી અંદર પ્રવેશ્યા છે. તેવામાં પોલીસે જપ્ત કરેલા વાહનો પણ પાણીમાં ગરકાવ થયા હતા. પોલીસે જપ્ત કરેલા વાહનો પીપલોદ ખાતે તાપી કિનારે રાખવામાં આવે છે. તાપીના પાણી શહેરમાં ઘૂસતા જપ્ત કરેલા વાહનો પાણીમાં ગરકાવ થયા હતા.

હાલ સ્થિતિ કાબુમાં છે
હવામાન વિભાગ દ્વારા સુરત શહેર, જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ હતી, તે અનુસાર રવિવારથી વરસાદ વરસી રહ્યો હોય દક્ષિણ ગુજરાતના લગભગ તમામ જળાશરો છલકાયા છે. ડાંગ, વાપી, વલસાડ, નવસારી, તાપી અને સુરત જિલ્લામાં આજે મંગળવારે પણ વરસાદી માહોલ જામ્યો છે.

Most Popular

To Top