અમદાવાદ (Ahmedabad): શહેરના રિવરફ્રન્ટ (River Front, Ahmedabad) પર બુધવારથી એક નવું આકર્ષણ શરૂ થવા જઇ રહ્યુ છે. – એક રિવર ક્રુઝ (RIVER CRUISE). આ સેવામાં મુલાકાતીઓને સાબરમતી (Sabarmati) નદી પર ક્રુઝ બોટ પર 20 મિનિટ વિતાવવાની તક મળશે. ક્રુઝ પરથી લોકો શહેરની વચ્ચે વચ સાબરમતી નદી પરથી આખા અમદાવાદનો એક અદ્ભૂત નજારો માણી શકશે.
આપણે બધા જ જાણીએ છીએ કે અમદાવાદ રિવરફ્રન્ટ એ ગુજરાતમાં હરવા ફરવાનું શહેરની વચ્ચે વચ ઊભું કરાયેલું સુંદર સહેલાણી સ્થળનું મોડેલ છે. હાલમાં શહેરમાં રિવરફ્રન્ટ પર બે પોઇન્ટ પરથી બોટિંગની સુવિધા ઉપલબ્ધ છે. ડેન્માર્કથી લાવવામાં આવેલી નવી શરૂ થયેલી રિવર ક્રુઝ બોટ એક ફેરામાં 60 લોકોને લઇ જઇ શકે છે. આ રિવર ક્રુઝ બોટની વ્યક્તિદીઠ ટિકિટની કિંમત 200 રુપિયા હશે અને તે માટેની ટિકિટ વલ્લભ સદનના કાઉન્ટર પર ઉપલબ્ધ થશે. સાબરમતી રિવરફ્રન્ટની વેબસાઇટ પર તેને ઓનલાઇન બુક (online cruise booking) પણ કરી શકાય છે.
હાલમાં કોરોનાના કારણે ક્રુઝમાં તેની વાસ્તવિક ક્ષમતાના ફક્ત 50% મુસાફરોને જ બેસાડી શકાશે, એટલે કે ફક્ત 30 જ લોકો એક સમયે ક્રુઝ રાઇડમાં બેસી શકશે. જણાવી દઇએ કે દર અડધા કલાકે ક્રુઝ ઉપડશે. આ સિવાય મુસાફરોને થિયેટરમાં હોવાનો અહેસાસ આપવા માટે ક્રુઝમાં ઉચ્ચ ગુણવત્તાની સાઉન્ડ સિસ્ટમ પણ છે. ક્રુઝની સવારી વલ્લભ સદનથી એલિસબ્રીજ (Ellis bridge, Ahmedabad) લઇ જશે. છેલ્લા ઘણા મહિનાઓથી કોરોનાના કારણે રિવરફ્રન્ટ ખાતે બોટિંગ સુવિધા બંધ થઈ ગઈ હતી પરંતુ 1 જાન્યુઆરીથી રિવર ફ્રન્ટ ખાતે બોટિંગ સેવાઓ ફરી શરૂ કરવામાં આવી હતી.
એક સમય હતો જ્યારે અમદાવાદ શહેરમાં ઘણા મહિનાઓ સુધી કોરોના પીક પર હતો. પણ હવે નસીબજોગે એ સમય વિતી ગયો છે. દેશમાં પહેલા તબક્કાનું રસીકરણ શરૂ થયુ છે. એટલે હવે લોકો ધીરે ધીરે સામાન્ય જીવન તરફ વળી રહ્યા છે. રિવર ફ્રન્ટ ખાતે શરૂ કરાયેલ ક્રુઝ સેવા ખરેખર એક નવો અનુભવ હશે. જોવાનું એ રહેશે કે લોકોને પ્રતિસાદ કેવો મળે છે?