જેતરમાં વિશ્વની પ્રસિદ્ધ એક સર્વે એજેન્સીએ તાજેતરમાં એક રસપ્રદ તારણ કર્યું. લગભગ દુનિયાની 5000 વિવિધ કંપનીઓના ગ્રોથ, પ્રમોટર્સ કે CEOની કામ કરવાની પદ્ધતિ વગેરેનો ઊંડો અભ્યાસ કરવામાં આવ્યો. રસપદ તારણ એ આવ્યું કે મોટા ભાગની કંપનીઓનો ગ્રોથ થવાનું કારણ CEOની રિસ્ક લેવાની તાકાતને કારણે છે. જે કંપનીઓમાં ગ્રોથ થયો હતો તે કંપનીઓના CEO કેલ્ક્યુલેટેડ રિસ્ક લેવા માટે માર્કેટમાં જાણીતા હતા.
એ જ રીતે ઘણી કંપનીઓની શ્રેષ્ઠ પ્રોડક્ટસ હોવા છતાં કંપનીના વડાની ઓછી રિસ્ક ટેકિંગ એબિલિટીને કારણે કંપનીઓ એવરેજ ગ્રોથ કરતી હતી અથવા તો D – ગ્રોથના હાંસિયામાં ધકેલાઈ જતી હતી. આ બધી જ કંપનીઓના CEOનું સર્વેક્ષણ કરવામાં આવ્યું તો ફક્ત 22 % CEOમાં જ બિઝનેસ ગ્રોથ કરવા માટે રિસ્ક ટેકિંગ એબિલિટી ભરપૂર હતી, જ્યારે 56 % CEO છાશ ફૂંકી ફૂંકીને પીવે તેવા હતા અને તેમના આ નેચરને કારણે કંપનીના ગ્રોથમાં કંઈ ભલીવાર ન આવતો હતો.
જીવનના દરેક તબક્કે નાના અથવા મોટા રિસ્ક લેવાના તબક્કા આવતા હોય છે. આવા રિસ્ક એટલે કે થોડું કે મોટું જોખમ લેવાની તમારી નિર્ણયશક્તિ, તમારા વ્યક્તિત્વ અથવા તો ઓર્ગેનાઇઝેશનના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. રિસ્ક લેવામાં ત્વરિત નિર્ણયશક્તિ હંમેશાં મદદરૂપ થતી હોય છે. આપણે હંમેશાં જોયું છે કે જે મહાન વ્યક્તિઓએ પોતાના ઓર્ગેનાઇઝેશનને નવી ઊંચાઈએ પહોંચાડયું છે, તે વ્યક્તિઓએ તેમના જીવનના કોઈ ને કોઈ તબક્કે જોખમ ઉઠાવીને સંસ્થાને હાલની પરિસ્થિતિમાં વિકસાવી છે. ઘણી વખત રિસ્ક લેવામાં અવળું પણ થઈ જાય છે પરંતુ એ પણ સત્ય હકીકત છે કે રિસ્ક લીધા વગર પ્રગતિ નથી. તમે કોઈ સંસ્થામાં કામ કરતા કર્મચારી હોવ કે સંસ્થાના માલિક હોવ પરંતુ તમારામાં રિસ્ક લેવાની અને ખાસ તો ક્યારે અને કેટલું રિસ્ક લેવું જો તમે આટલું જાણતા હોવ તો તમારા વિકાસને કોઈ રોકી ન શકે.
‘રિસ્ક અને ગ્રોથ’ વિકાસના પર્યાય છે. એક નાનકડું ઉદાહરણ જોઈએ :
ઇન્ફોસિસના ચીફ મેન્ટર નારાયણ મૂર્તિએ ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં 2009માં ભાષણ આપતી વખતે એક બહુ સુંદર ઘટના વર્ણવી. 1990માં બેંગલુરુમાં ઇન્ફોસિસની સ્થાપના કરનાર 5 સભ્યો હાજર હતા. તે વખતે નારાયણ મૂર્તિ પણ હાજર હતા. બધાએ મળીને નિર્ણય કરવાનો હતો. ઇન્ફોસિસને એક મિલિયન ડૉલરમાં વેચવી કે નહીં? નારાયણ મૂર્તિના કહેવા મુજબ ‘અમે 9 વર્ષની મહેનત બિઝનેસ માટે પ્રતિકૂળ એવા ભારતમાં કરી અને હવે જ્યારે સામે સારું વળતર મળી રહ્યું હતું ત્યારે મારા સાથીમિત્રો પોતાની ભવિષ્યની યોજનાઓ અને અત્યાર સુધીની ઇન્ફોસિસની સફર અંગે પોતપોતાના મત આપી રહ્યા હતા. હું છેવટ સુધી મૌન હતો.’ ‘આખરે મારો વારો આવ્યો.’ નારાયણ મૂર્તિના મુજબ ‘મેં મુંબઈના એક નાનકડા એપાર્ટમેન્ટમાંથી શરૂ કરેલી મારી સફરની વાત કરી પછી મક્કમતાથી મારા સાથીમિત્રોને કહ્યું કે જો તમારે ઇન્ફોસિસ વેચવી જ હોય તો તમારા બધાનો ભાગ હું પોતે જ ખરીદી લઈશ. તે વખતે મારા ખિસ્સામાં એક પણ રૂપિયો ન હતો!
આખા રૂમમાં ચૂપકીદી છવાઈ ગઈ. મારા સાથી મિત્રો મારી મૂર્ખતા અંગે વાતો કરવા લાગ્યા. 1 કલાકની લાંબી દલીલો પછી મારા સાથીમિત્રો મારી વાત સમજ્યા અને ઇન્ફોસિસ વેચવાનું માંડી વાળ્યું. હું કહી શકું કે મારી જિંદગીનું આ સૌથી મોટું જોખમ કે સાહસ હતું પણ અત્યારે મને લાગે છે કે જો તે વખતે મેં રિસ્ક ન લીધું હોત તો આજે ઇન્ફોસિસ ન હોત. આજે ઇન્ફોસિસ લગભગ 80,000 લોકોને રોજગારીની તક આપે છે.’ કહેવાનું તાત્પર્ય છે, કે જીવનમાં રિસ્ક નથી તો વિકાસ નથી. જો તમારે વિકાસ કરવો હોય તો તમારે જોખમ તો લેવું જ પડે. તમે દરિયાકિનારે ઊભા રહીને દરિયાઈ સાહસો ખેડવાના ફક્ત ખ્યાલ ન કરી શકો. તે માટે તમારે દરિયામાં ઝંપલાવવું જ પડે.
ubhavesh@hotmail.com
- નારાયણ મૂર્તિ જોડેથી રિસ્ક ટેકિંગ એબિલિટી અંગે નીચે મુજબનું શીખી શકાય :
જ્યારે પણ રિસ્ક લેવાનું થાય ત્યારે તેના પરિણામના હકારાત્મક અને નકારાત્મક પરિણામ વિશે વિચારો. જો કોઈ કારણસર તમે જે જોખમ લીધું છે તે અવળું પડે તો શું કરવું તેનો હંમેશાં વિચાર કરવો. - બિઝનેસમાં નાના – મોટા રિસ્ક લેવાના ચાલુ રાખો. તમને આનાથી ઘણા સારા-નરસા અનુભવ થશે. ખરાબ અનુભવોમાંથી શીખો અને ફરી આવી ભૂલ ન થાય તેની કાળજી રાખવી.
- જો હંમેશાં તમે નેગેટિવ થિન્કિંગ જ કરશો તો જીવનમાં કશું કરી શકશો નહીં. તમે કર્મચારી હો કે સંસ્થાના માલિક હો – ‘પોઝિટિવ વિચારો જ તમને વિકાસ આપી શકે છે.’
- એક વખત નિર્ણય લીધા પછી આ નિર્ણય યોગ્ય હતો કે ખોટો હતો તેનો બહુ લાંબો વિચાર કરવો નહીં. તમારો આ નિર્ણય સાચો જ છે તેમ માની, કમર કસી તેને સફળતામાં પરાવર્તિત કરવામાં લાગી જાઓ. તમે સફળ થશો જ.