Gujarat

કોરોના પછી જળ સંકટનો ખતરો, રાજ્યના જળાશયોમાં 50 ટકા જ પાણીનો જથ્થો

રાજયમાં હાલમાં માત્ર 42 ટકા જ વરસાદ થયો છે. જેના પગલે 144 તાલુકાઓમાં પણ દુષ્કાળના ડાકલા વાગી રહ્યાં છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મોટા ભાગે હવે ખેતીને નુકસાન શરૂ થઈ જવા પામ્યુ છે. બીજી તરફ રાજયના જળાશયોમાં પણ પાણીનો જથ્થો ઓછો હોવાના કારણે સિંચાઈ માટે ઓગસ્ટના અંત સુધી જ પાણી આપી શકાશે, તે પછી જળાશયોમાં રહેલો પાણીનો જથ્થો પીવાના પાણી માટે અનામત રખાશે. કોરોનાની બે લહેર પછી હવે ગુજરાતના માથે દુષ્કાળ સાથે જળ સંકટ તોળાઈ રહ્યું છે.

સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલમાં 1,52,544 એમસીએફટી પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. જે 45.66 ટકા જેટલો થવા જાય છે. રાજયના 206 જળાશયોમાં 2,82,489 એમસીએફટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિત્તના 50.68 ટકા છે. આમ, રાજયમાં જળાશયોમાં 50 ટકા જેટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. હજુયે રાજયમાં પાંચ દિવસમાં કોઈ સારા વરસાદના એંધાણ નથી. રાજયમાં ખરીફ મોસમમાં 80.06 લાખ હેકટર વિસ્તારમાં સરેરાશ 93.59 ટકા વાવેતર થઈ ચૂકયું છે

ગયા વર્ષે 28મી ઓગસ્ટે નર્મદા ડેમની જળ સપાટી 136.68 મીટરને પાર કરી ગઈ હતી. હાલમાં સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 115.81 મીટરની આસપાસ છે, જો તેનાથી પણ પાણી ઘટે અને 110 મીટર સુધી પહોચી જાય તો ડેમની ઈરિગેશન બાયપસ ટનલ ખોલવી પડશે.

આજે ગાંધીનગરમા કેબિનેટ બેઠકમાં રાજય સરકાર દ્વારા સંભવિત દુષ્કાળની સ્થિતિનો સામને કરવા એકશન પ્લાન વિચારાઈ રહ્યો છે. ઓગસ્ટના અંત સુધી સિંચાઈ માટે પાણી મળી શકે છે, તે પછી પાણી પીવાના હેતુ માટે અનામત રખાશે , તેમ સૂત્રોએ કહ્યું હતું .
દક્ષિણ ગુજરાતને બાદ કરતાં સમગ્ર રાજયમાં વરસાદની ઘટ છે.114 તાલુકાઓ એવા છે કે જયાં 10 ટકાથી ઓછો વરસાદ થયો છે.

ખેડૂતોનો ખરીફ પાક આમ તો મૂરઝાઈ રહ્યો છે. કચ્છ, પાટણ, બનાસકાંઠા, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, વડોદરા, પંચમહાલ, મહીસાગર, ભરુચ, તાપી, સુરત જિલ્લા સહિતના જિલ્લાઓના 114 તાલુકાઓમાં 10 ટકાથી ઓછો વરસાદ થયો છે

Most Popular

To Top