આપણે જોઇએ છીએ કે સોના અને ચાંદીના ભાવો દિનપ્રતિદિન એ હદે વઘતા જાય છે કે સામાન્ય માણસ સોનુ કે ચાંદી ખરીદવાની કલ્પના પણ ન કરી શકે. આજે સોનુ તો ઠીક પરંતુ ચાંદીના ભાવો પણ એ હદે વઘી રહ્યા છે કે ચાંદી કે ચાંદીના ઘરેણા ખરીદવાની શક્તિ પણ ઘણાં કુટુંબો પાસે રહી નથી. વૈશ્વિક બજારોમાં ચાંદીના વઘતા ભાવો વચ્ચે દિવાળીના શુભ દિવસો દરમિયાન ચાંદીની આયાત પર મુકાયેલ મર્યાદીત અંકુશે ભાવોને કાબુ બહાર કરવામાં મોટો ભાગ ભજવ્યો છે. એક તરફ ઘણાં લોકોને આ કિમતી ઘાતુઓની ખરીદી કરવાના ફાંફા પડી રહ્યા છે તો બીજી બાજુ ચાંદીની ખરીદીની હોડ એવી લાગેલી કે ઝવેરીઓ પાસેનો ચાંદીનો સ્ટોક પણ ખૂટી પડ્યાના સમાચાર હતા.
જે બતાવે છે કે મોંઘવારી શહેર અને દેશમાં સૌથી વઘુ વસ્તી ઘરાવતા મઘ્યમ અને ગરીબ વર્ગને જ નડે છે. એક તરફ સોના–ચાંદીના વઘતા ભાવો સાથો સાથ હીરા ઉદ્યોગમાં મંદીને કારણે છટણી થવાના સમાચાર છે એવા સમયમાં વર્તમાનપત્રમાં એક હીરાના ઉદ્યોગપતિના દિકરાએ વિમાન ખરીદ્યાનો ફોટો પ્રગટ થયો છે એ પણ એ બાબતને સમર્થન આપે છે કે ખાવા–પીવાની વસ્તુઓ સહિત ઘરવપરાશની ચીજો કે કિંમતી જણસોના વઘી રહેલા ભાવો કોઇ માલેતુજારને નડતા નથી.
પાલ, સુરત – હિતેન્દ્ર ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
નકલી પોલીસ અંગે પોલીસ કમિશ્નરનો મૂલ્યવાન સંદેશ
ગત અઠવાડિયે આવેલ સંદેશ કે જેમાં અચાનક કોઈ પોલીસ તમને ટ્રેન કે બસમાંથી ઉતરતાં વેંત બેગ કે એટેચી ખોલાવીને ચેક કરવાનુ કહે તો એ વાત માનવી નહીં. આમ કોઈ નાગરિકને કાયદેસર અચાનક બેગ ખોલવાનુ કહીં ના શકે એ મતલબનો સંદેશ હતો. ખાસ કરીને જે સાવ અભણ કે અબુધ હોય એમને આવા નકલી પોલીસ હેરાન કરે છે. મારા પતિ બેંક જોબમાં હતા ત્યારે કહેવા છતાં પણ વાત ન સાંભળીને ઓફિસ ફાઈલ વાળી બ્રીફકેસ અધવચ્ચે ખોલવાનુ કહેતાં મારા મિસ્ટરે ના નપાડી અને કહ્યું કે બેગ ચેક ભલે કરો પણ હું સ્ટેશન પોલીસ ચોકીમાં આવું છું. ત્યાં જોઈ લેજો. પેલો પોલીસ ચોકી ઉપર ન આવતાં ‘જાવ સાહેબ’ એટલું કહી અડધેથી ફંટાઈ ગયો… એ બતાવે છે કે એ નકલી પોલીસ હતો. એટલે પ્રજા થોડી સાવધાની રાખે એ કમિશ્નર સાહેબની વાત ખરેખર સરાહનીય છે.
અડાજણ, સુરત – પલ્લવી ધોળકિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.