નવી દિલ્હી: ભારતીય ક્રિકેટર રિષભ પંતને ગંભીર અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં કાર ડિવાઇડર સાથે અથડાયા બાદ સળગી ઉઠી હતા. રિષભ પંત માંડ માંડ પોતાની જીબ બચાવી કારની બહાર આવ્યા હતા. અકસ્માતમાં રિષભને ગંભીર ઈજા પહોંચી છે. હાલમાં તેઓનો ઈલાજ દહેરાદુનની ખાનગી હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. હાલમાં મળતી માહિતી મુજબ, તેઓની તબિયતને જોતા તેઓને સારવાર માટે દિલ્હી એર લીફ્ટ કરાઈ તેવી સંભાવના છે. DDCAના ડિરેક્ટર શ્યામ શર્માએ જણાવ્યું હતું કે,’DDCAની એક ટીમ રિષભ પંતની તબિયત જોવા માટે દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં જઈ રહી છે. જો જરૂર પડશે તો અમે તેમને દિલ્હી શિફ્ટ કરીશું. એવી પણ મોટી સંભાવના છે કે અમે ઋષભ પંતને પ્લાસ્ટિક સર્જરી માટે એરલિફ્ટ કરીને દિલ્હી લઈ જઈશું.
પગની ઘૂંટી અને ઘૂંટણનો MRI કરવામાં આવશે
પંતને મોટાભાગની ઈજાઓ માથા અને પગમાં થઈ છે. આ કારણે તેમના મગજ અને કરોડરજ્જુનું એમઆરઆઈ સ્કેન પણ કરવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ નોર્મલ આવ્યો છે. ડોક્ટરોએ જણાવ્યું કે ઋષભ પંતના પગની ઘૂંટી અને ઘૂંટણનું એમઆરઆઈ સ્કેન પણ કરાવવાનું હતું. પરંતુ તે મોકૂફ રાખવામાં આવ્યું છે કારણ કે પંતને ખૂબ દુખાવો હતો અને સોજો પણ હતો. હવે આ સ્કેન 31 ડિસેમ્બરનાં રોજ કરી શકાશે. કાર અકસ્માતમાં રિષભ પંતના ચહેરા પર ઈજા થઈ હતી. ઘણા કપાયેલા ઘા હતા અને કેટલાક સ્ક્રેચ પણ આવ્યા હતા. જેની સારવાર માટે તેઓએ પ્લાસ્ટિક સર્જરી પણ કરાવી છે. રિષભ પંતને તેના જમણા ઘૂંટણ અને પગની ઘૂંટીમાં લિગામેન્ટની સમસ્યા હોઈ શકે છે. આ કારણથી મેક્સ હોસ્પિટલના ડોક્ટરોએ ઋષભ પંતના ઘૂંટણ પર પટ્ટી પણ લગાવી દીધી છે. ડૉક્ટરોએ જણાવ્યું છે કે પંતની હાલત હાલ ઠીક છે અને તે સારું અનુભવી રહ્યા છે.
પંત પોતે કાર ચલાવી રહ્યો હતો, સૂઈ જવાને કારણે થયો અકસ્માત
ઋષભ પંત સાથે અકસ્માતની આ દુર્ઘટના શુક્રવાર 30 ડિસેમ્બરનાં રોજ વહેલી સવારે રૂરકી નજીક ગુરુકુલ નરસન વિસ્તારમાં બની હતી. પંત કારમાં એકલા હતા અને પોતે ડ્રાઇવ કરી રહ્યા હતા. અકસ્માત બાદ પંતે કહ્યું હતું કે તે ડ્રાઇવિંગ કરતી વખતે સૂઈ ગયો હતો અને કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને અકસ્માત થયો હતો. પંતે કહ્યું કે તે વિન્ડ સ્ક્રીન તોડીને બહાર આવ્યો. આ પછી કારમાં ભીષણ આગ લાગી હતી.
બસના ડ્રાઈવર અને કંડક્ટરે રિષભ પંતને બચાવ્યો હતો
આ અકસ્માતમાં પંતનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત બાદ હરિયાણા રોડવેઝના બસ ડ્રાઈવર સુશીલ કુમાર અને કંડક્ટર પરમજીત પહેલા સ્થળ પર પહોંચ્યા હતા. તેણે જ પંતને બચાવ્યો અને એમ્બ્યુલન્સ બોલાવી અને તેને હોસ્પિટલ મોકલ્યો હતો. આ બંને લોકોને આ પ્રશંસનીય કામ માટે મોટું ઈનામ મળ્યું છે. કંડક્ટર પરમજીતે કહ્યું, ‘અમે ઋષભ પંતને બહાર લઈ ગયા અને 5-7 સેકન્ડ પછી કારમાં આગ લાગી અને તે બળીને ખાખ થઈ ગઈ. તેઓને પીઠ પર ઘણી ઈજાઓ થઈ હતી. આ પછી જ્યારે અમે તેને પૂછ્યું કે તે કોણ છે તો તેણે કહ્યું કે તે ક્રિકેટર રિષભ પંત છે. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે જો 5-7 સેકન્ડનું પણ મોડું થતે તો કંઈક અઘટિત થવાની સંભાવના હતી.