વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ક્રિકેટર બની ગયો છે. સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ચાલી રહેલી IPL મેગા ઓક્શનમાં લખનૌ સુપર જાયન્ટ્સે તેને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ હરાજીમાં શ્રેયસ અય્યર આઈપીએલ ઈતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. પંજાબ કિંગ્સે તેને 26.75 કરોડની બોલી લગાવીને ખરીદ્યો હતો. આ હરાજીમાં વેચાયેલો તે પ્રથમ કેપ્ટન છે.
લખનૌએ વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ રીતે પંત IPL ઈતિહાસમાં સૌથી વધુ કિંમતે વેચાયેલો ખેલાડી બની ગયો છે. આ મામલે તેણે શ્રેયસ અય્યરને પાછળ છોડી દીધો છે જે થોડા સમય પહેલા 26.75 કરોડ રૂપિયામાં વેચાયો હતો. ઋષભ પંત માટે લખનૌ અને આરસીબી વચ્ચે શરૂઆતમાં જંગ ચાલી હતી. પંત 2 કરોડની મૂળ કિંમત સાથે હરાજીમાં ઉતર્યો હતો અને થોડા જ સમયમાં તેની કિંમત 10 કરોડને પાર કરી ગઈ હતી. આ દરમિયાન હૈદરાબાદ પણ આ રેસમાં જોડાયું, પરંતુ લખનૌએ પણ હાર ન માની.
હૈદરાબાદના માલિક કાવ્યા મારન અને લખનૌના માલિક સંજય ગોએન્કાએ હરાજીના ટેબલ પર પંત માટે બોલી લગાવી અને થોડી જ વારમાં તેની કિંમત 17 કરોડ રૂપિયાને પાર કરી ગઈ. હૈદરાબાદ અને લખનૌ અહીં પણ અટક્યા નહીં અને પંત પરની બોલી સતત વધતી રહી. લખનૌએ પંત માટે 20.75 કરોડની બોલી લગાવી અને હૈદરાબાદે પીછેહઠ કરી. જોકે દિલ્હીએ આરટીએમનો ઉપયોગ કર્યો હતો. આ પછી લખનૌએ પંત માટે 27 કરોડ રૂપિયાની ઓફર કરી અને દિલ્હીએ હાથ પાછો ખેંચી લીધો. આ રીતે પંતને 27 કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યો અને લખનૌએ તેને IPLના સૌથી મોંઘા ખેલાડી તરીકે લીધો.
પંજાબે કેપ્ડ ખેલાડી યુઝવેન્દ્ર ચહલને બીજા સેટમાંથી 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સાથે તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ભારતીય સ્પિનર બની ગયો. તેની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. ગત સિઝનમાં ચહલ રાજસ્થાન તરફથી રમ્યો હતો, તેણે 15 મેચમાં 18 વિકેટ ઝડપી હતી. ચહલ આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 2013માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું ત્યારથી લઈને 2024 સુધી તેણે 160 મેચમાં 205 વિકેટ ઝડપી છે.
ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ માટે ગુજરાત અને CSKએ પ્રારંભિક બોલી લગાવી અને બંને ફ્રેન્ચાઈઝી વચ્ચે જોરદાર સ્પર્ધા થઈ. સિરાજની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી પરંતુ થોડા જ સમયમાં બોલી 8 કરોડ રૂપિયાને પાર કરી ગઈ. CSK એ બોલી પાછી ખેંચી લીધા પછી રાજસ્થાન રોયલ્સ બિડિંગમાં કૂદી પડ્યું. ગુજરાતે અંતે સિરાજને 12.75 કરોડમાં ખરીદી લીધો. આરસીબીએ સિરાજ માટે આરટીએમનો ઉપયોગ કર્યો ન હતો.
મિચેલ સ્ટાર્ક 2 કરોડની બેઝ પ્રાઈઝ સાથે હરાજીમાં ઉતર્યો હતો. KKRએ ફરી એકવાર તેમના માટે બોલી લગાવવાનું શરૂ કર્યું પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ પણ રેસમાં રહી. દિલ્હી કેપિટલ્સ અને આરસીબીએ પણ સ્ટાર્કને લેવામાં રસ દર્શાવ્યો હતો. આખરે દિલ્હીએ સ્ટાર્કને 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો. તે જાણીતું છે કે છેલ્લી વખત IPL ઇતિહાસમાં સૌથી મોટી બોલી સ્ટાર્ક પર લગાવવામાં આવી હતી જેને આજે શ્રેયસે પાછળ છોડી દીધી હતી.
રાજસ્થાન રોયલ્સ દ્વારા બટલરને રિલીઝ કરવામાં આવ્યો હતો. જોસ બટલરની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી અને તેના માટે પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રેસ હતી. આ દરમિયાન લખનૌ સુપરજાયન્ટ્સ પણ રેસમાં જોડાઈ અને ગુજરાત સાથે તેની ટક્કર થઈ. આખરે ગુજરાતે બટલરને 15.75 કરોડમાં ખરીદ્યો.