Charchapatra

સુરતમાં ગુનાખોરીનો વિકાસ

આપણું સુરત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. પ્રત્યેક સુરતી માટે ગૌરવની વાત તો અવશ્ય કહેવાય. ચારે કોર વિસ્તરી રહેલું શહેર, મોંઘવારીમાં પણ અગ્રગણ્ય છે જ. હીરા, કાપડ ઉદ્યોગ, જરી અને બાંધકામ ક્ષેત્રે પણ સુરતે અનહદ પ્રગતિ કરી છે. વૈશ્વિક સ્તરે સુરતનું નામ રોશન છે, જે ગૌરવપ્રદ ઘટના ગણી શકાય. અનેક પરપ્રાંતિય વ્યક્તિઓને સુરતે રોટલો અને ઓટલો બંને પ્રદાન કર્યાં છે. સાથે સુરતમાં ગુનાખોરીનું પ્રમાણ પણ વિસ્તરતું જાય જ છે. લગભગ રોજ જ અખબારી આલમ દ્વારા ખંડણી, ધમકી, હત્યા, અપહરણ, માર મારવો, દુષ્કર્મ વિ.જેવા અનેક અનિચ્છનીય ગુનાઓ વાંચવા મળે છે.

પ્રશ્ન એ થાય કે સુરત આર્થિક સદ્ધરતા પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરી પણ નૈતિકતાનું પ્રમાણ કેમ નીચલા સ્તરે પ્રાપ્ત કર્યું? ઇમાનદારી, નીતિમત્તા ઘણી ઘટનાઓમાં અદૃશ્ય થઇ ગઇ છે! નાણાં ઉચાપત કરી ધમકી આપી માર મારવો અને દમન કરવું એકદમ સહેલું થઇ ગયું છે! લખોટી, મંજા જેવાં દૂષણો સ્વયંનું ધાકધમકીનું સામ્રાજય ફેલાવતાં થઇ ગયાં છે! શું કાયદાનો કોઇને ડર જ નથી? યોગ્ય પગારધોરણ હોવા છતાં લાંચ લેનારની ખોટ નથી! પહેલાંનું સુરત બિલકુલ આવું નહીં જ હતું. આ તો વિકાસ સાથે ગુનાખોરીનું પ્રમાણ પણ વધતું જાય છે. કારણ કદાચ સબસે બડા રૂપૈયા પણ હોઈ શકે! નાણાંથી બધું જ ખરીદી શકાય.
સુરત     – નેહા શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top