ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ અમેરિકામાં રહેતા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ મુશ્કેલીમાં મુકાયા છે. યુ.એસ.માં ગેરકાયદેસર વસાહતીઓને સતત શોધીને દેશનિકાલ કરવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, હવે અમેરિકન પોલીસે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને શોધવા માટે ગુરુદ્વારામાં પ્રવેશ કરવાનું શરૂ કર્યું છે. શિખ સંગઠનો આનો વિરોધ કરી રહ્યા છે.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના પોલીસકર્મીઓએ ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીના ગુરુદ્વારાઓની તપાસ કરી અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ વિશે માહિતી એકઠી કરી. ન્યૂઝ એજન્સી અનુસાર એવું માનવામાં આવે છે કે ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીના કેટલાક ગુરુદ્વારાનો ઉપયોગ શીખ અલગતાવાદીઓ અને ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ દ્વારા કરવામાં આવ્યો છે.
યુએસ પોલીસ (હોમલેન્ડ સિક્યુરિટી)ના પ્રવક્તાએ કહ્યું કે ધરપકડથી બચવા માટે હવે ગુનેગારો અમેરિકાની શાળાઓ અને ચર્ચોમાં પણ છુપાઈ શકશે નહીં. ટ્રમ્પ વહીવટીતંત્ર અમેરિકાના બહાદુર કાયદા અમલીકરણ અધિકારીઓના હાથ બાંધશે નહીં પરંતુ તેમની કાર્યવાહીમાં વિશ્વાસ વ્યક્ત કરશે.
અમેરિકન પોલીસની આ કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરતા શિખ અમેરિકન લીગલ ડિફેન્સ એન્ડ એજ્યુકેશન ફંડ (SALDF) એ માર્ગદર્શિકાને રદ કરવા પર ચિંતા વ્યક્ત કરી હતી જેમાં ધાર્મિક સ્થળો જેવા સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરવામાં આવી છે. વાસ્તવમાં, અગાઉ આ સ્થળોએ આવી કાર્યવાહી પર પ્રતિબંધ હતો.

એસએએલડીએફ (SALDF)એ કહ્યું કે નીતિમાં આ ફેરફાર પરેશાન કરનાર છે. ફેરફાર બાદ અમેરિકન પોલીસ અધિકારીઓએ ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીના ગુરુદ્વારાની મુલાકાત લેવાનું શરૂ કર્યું છે. સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કિરણ કૌર ગિલે કહ્યું, અમે ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યુરિટીના સંવેદનશીલ વિસ્તારોની સુરક્ષાને ખતમ કરવાના અને પછી ગુરુદ્વારા જેવા પૂજા સ્થાનોને નિશાન બનાવવાના નિર્ણયથી અત્યંત ચિંતિત છીએ.
ગિલે કહ્યું કે ગુરુદ્વારા માત્ર પૂજા સ્થાનો નથી પરંતુ તે મહત્વપૂર્ણ સમુદાય કેન્દ્રો છે. અહીં શિખો અને વ્યાપક સમુદાયને ટેકો, પોષણ અને આધ્યાત્મિક આશ્વાસન આપવામાં આવે છે. કાનૂની કાર્યવાહી માટે આ સ્થાનોને નિશાન બનાવવાથી આપણી આસ્થાની પવિત્રતા જોખમમાં મુકાય છે. આ સમગ્ર અમેરિકામાં ઇમિગ્રન્ટ સમુદાયોને ભયંકર સંદેશ મોકલે છે.
શિખ સંગઠને કહ્યું, શિખ ધર્મ અને પરંપરા માટે એ સ્વીકાર્ય નથી કે સરકાર દ્વારા અમારા ગુરુદ્વારાઓ પર નજર રાખવામાં આવે અને વોરંટ સાથે કે વગર દરોડા પાડવામાં આવે. આ શિખોની એકત્ર થવાની અને જોડવાની ક્ષમતાને અસર કરશે.