પોર્ટ મોરેસ્બી: પાપુઆ ન્યુ ગિનીની (Papua New Guinea) રાજધાની પોર્ટ મોરેસ્બીમાં (Port Moresby) બુધવારે પોલીસે હડતાળ (Strike) પાડી હતી. ત્યાર બાદ શહેરમાં સ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ છે. અહીં લોકોએ લૂંટફાટ (Robbery) શરૂ કરી અને રમખાણો પણ ફાટી નીકળ્યા છે. સમગ્ર મામલે પીએમ એ લોકોને શાંત રહેવા જણાવ્યું છે. તેમજ દેશમાં કટોકટીની જાહેરાત કરી છે.
પાપુઆ ન્યુ ગિનીમાં બુધવારે રમખાણો ફાટી નીકળ્યા હતા. જેની સ્થિતિ આજે ગુરુવારે વધુ ખરાબ થઈ હતી. પોલીસ, અન્ય સરકારી કર્મચારીઓ અને ખાનગી કર્મચારીઓ પગાર કાપનો વિરોધ કરી રહ્યા હતા. આ વિરોધ દેશની રાજધાની અને સૌથી મોટા શહેર પોર્ટ મોરેસ્બીમાં થઈ રહ્યો હતો. પરંતુ થોડા જ સમયમાં કાયદાકીય બેદરકારી અને વિરોધમાં પોલીસની સંડોવણીને કારણે વિરોધ પ્રદર્શને તોફાનનું સ્વરૂપ લીધું હતું. રમખાણો એટલા ગંભીર બની ગયા કે પોર્ટ મોરેસ્બીમાં ઘણી જગ્યાએ પરિસ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ છે.
ઓછા પગારના કારણે પોલીસકર્મીઓ હડતાળ પર ઉતર્યા હતા
પાપુઆ ન્યુ ગિનીમાં બેરોજગારી અને મોંઘવારી વધી રહી છે. બીજી તરફ પોલીસકર્મીઓના પગારમાં વધારો થવાને બદલે 50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આનાથી નારાજ પોલીસકર્મીઓ સંસદની બહાર હડતાળ પર બેઠા હતા. આ પછી શહેરમાં હિંસા વધી હતી. તેમજ પોર્ટ મોરેસ્બી જનરલ હોસ્પિટલે રાજધાનીમાં આઠ મૃત્યુની પુષ્ટિ કરી છે. પાપુઆ ન્યુ ગિનીના બીજા સૌથી મોટા શહેર લામાં સાત અન્ય મૃત્યુ નોંધાયા હતા. હાલ આ હિંસામાં કુલ 15 લોકો માર્યા ગયા હોવામા અહેવાલો સામે આવ્યા છે.
પીએમએ લોકોને શાંત રહેવાની અપીલ કરી
ગુરુવારે, પાપુઆ ન્યુ ગિનીના વડા પ્રધાન જેમ્સ મારાપે રાષ્ટ્રને સંબોધિત કર્યું. કહ્યું- આ પ્રકારની હિંસા સહન કરવામાં આવશે નહીં. પોલીસની ગેરહાજરીનો લોકોએ ફાયદો ઉઠાવ્યો છે. કાયદો તોડવો એ ખોટું છે. આનાથી કશું પ્રાપ્ત થશે નહીં. આ ઘટનાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ સમગ્ર ઘટના માટે હું માફી માંગુ છું.
આ સાથે જ પોલીસના વેતન અંગે તેમણે કહ્યું- કોમ્પ્યુટરમાં ટેકનિકલ ખામીના કારણે પોલીસકર્મીઓનો પગાર ઓછો થયો છે. સરકારે કોઈના પગારમાં ઘટાડો કર્યો નથી. ટેકનિકલ ખામીને ટૂંક સમયમાં સુધારી લેવામાં આવશે. આવતા મહિને દરેકનો પગાર અગાઉના લેણાંની સાથે મળી જશે.