નવી દિલ્હી (New Delhi): દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના નેતા કપિલ મિશ્રા (Kapil Mishra) મંગળવારે પાર્ટીના કાર્યકર રિંકુ શર્માના (Rinku Sharma) પરિવારને મળ્યા હતા. કપિલ મિશ્રાએ મૃત રિંકુ શર્માના પરિવારને 1 કરોડ રૂપિયાની આર્થિક સહાય કરવાની જાહેરાત કરી છે. કપિલ મિશ્રાએ કહ્યું હતું કે 1 કરોડની આ સહાય રકમ રિંકુ શર્માના પરિવારને રોકડમાં નહીં આપવામાં આવે પરંતુ તે કેટલાક હપ્તામાં પરિવારના એક સભ્યોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
તેમણે કહ્યું કે આ રકમ એકઠ્ઠી કરવામાં દેશ – વિદેશના લોકોએ ફળો આપ્યો હતો. કપિલ મિશ્રાએ કહ્યુ કે, ‘મેં 1 કરોડના ટ્રાન્સફર અંગે બેંક મેનેજર સાથે વાત કરી છે. કાર્યવાહી બાદ આજે (મંગળવાર) સાંજ સુધીમાં 25 લાખ રૂપિયા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ પછી રૂ. 25 લાખના બે હપ્તા ટ્રાન્સફર કરવામાં આવશે. 26 ફેબ્રુઆરી સુધીમાં કુલ 1 કરોડની રકમ રિંકુ શર્માના પરિવારના સભ્યના બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ જશે.
ગત બુધવારે રાત્રે દિલ્હીના માંગોલપુરી વિસ્તારમાં કેટલાક શખ્સોએ 25 વર્ષીય રિંકુ શર્માના ઘરમાં ઘૂસી તેના પર ચાકુના ઘા ઝીંકી તેની હત્યા કરી હતી. આ આખા કેસમાં પોલીસે કહ્યુ હતુ કે રિંકુ શર્મા (Rinku Sharma) નામનો 25 વર્ષીય યુવક તેના કેટલાક મિત્રો સાથે ગત ઑક્ટોબરથી નજીકના વિસ્તારમાં ફૂડ સ્ટોલ ચલાવતો હતો. આ ધંધામાં થતા નુકસાન બાદ તે બંધ કરી દેવા અંગે રિંકુ શર્મા અને તેના મિત્રો વચ્ચે ચાલતી ચર્ચાએ બોલા ચાલી અને ઝઘડાનું સ્વરૂપ લઇ લીધું અને જેવો રિંકુ શર્મા આ બર્થ-ડે પાર્ટીમાંથી તેના ઘરે ગયો ઝહીદ, મહેતાબ, ડેનિશ અને ઇસ્લામ નામના શખ્સો તેના ઘરે ગયા અને તેના પર છરીના ઘા ઝીંકી ત્યાંથી ભાગી ગયા હતા.
જો કે પરિવારે કહ્યુ હતુ કે રિંકુ બજરંગ દળનો સભ્ય હતો. અને છેલ્લા કેટલાક દિવસોથી તે દળના અન્ય સભ્યો સાથે મળીને રામ મંદિર માટે ફાળો ભેગો કરવાની રેલીઓમાં જોડાયો હતો. રિંકુના ભાઇ મનુ શર્માએ કહ્યુ કે બુધવારે રાત્રે તેઓ કોઇ બર્થ ડે પાર્ટીમાં ગયા નહોતા. તેણે ઉમેર્યુ હતુ કે અગાઉ આ લોકો રિંકુને ધમકી આપી ચૂક્યા હતા. રિંકુના પિતાએ જણાવ્યુ કે 15-20 લોકો બુધવારે રાત્રે તેમના ઘરના બારણે આવી પહોંચ્યા હતા. અને ગુંડા ગર્દી કરી ઘરમાં ઘૂસી આવ્યા હતા. આ શખ્સોએ રિંકુ અને તેના ભાઇને ખૂબ માર્યો અને તેમાંથી ચાર શખ્સોએ ચાકુ વડે રિંકુ શર્માને ઘા ઝીંકી દીધા હતા.
દરમિયાન ભોપાલના ભાજપના સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર પણ 25 વર્ષીય કાર્યકરની હત્યા પછી તેના પરિવારને મળવા દિલ્હી પહોંચ્યા હતા. પોલીસે આ કેસમાં હજી સુધી પાંચ લોકોની ધરપકડ કરી છે. તેઓની ઓળખ તાજુદ્દીન, જાહિદ, મહેતાબ, ડેનિશ અને ઇસ્લામ તરીકે થઈ છે. તે બધા એક બીજાથી સંબંધિત છે.