SURAT

રિંગરોડ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં આ સમય દરમ્યાન ગુડ્ઝ વાહનોને પ્રવેશ નહીં અપાય

સુરત: (Surat) શહેરના રિંગ રોડ ટેક્સટાઈલ માર્કેટ (Textile Market) વિસ્તારમાં ગુડ્સ વાહનોને કારણે ટ્રાફિસ જામની સમસ્યા હવે વધારે વિકરાળ બની છે. જેને ધ્યાનમાં લઈ ટ્રાફિક સમસ્યા નિવારવા માટે સવાર અને સાંજ પિકઅવર્સ સમયે માર્કેટમાં આવતાં તમામ નાનાં-મોટાં ગુડ્ઝ વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

રિંગ રોડ ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં સહરા દરવાજાથી લઈને માન દરવાજા સુધીના વિસ્તારમાં ભારે ટ્રાફિક જામની સમસ્યા રહે છે. ટ્રાફિસ શાખા દ્વારા અનેક વખત વિવિધ પ્રયોગો કરી આ ટ્રાફિકને હળવો કરવા પ્રયાસ કરાયા છે. પરંતુ ટ્રાફિક શાખા આજદિન સુધી આ ટ્રાફિકનું સમાધાન લાવી શકી નથી. ત્યારે ટ્રાફિક શાખા પોલીસ દ્વારા હવે નવું જાહેરનામું પ્રસિદ્ધ કરી સવારે 9થી 12 વાગ્યા સુધી અને સાંજે 6થી 9 વાગ્યા સુધી તમામ ગુડ્ઝ વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ટેક્સટાઈલ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે એડિશનલ કમિશનર ટ્રાફિક અને ક્રાઈમની અધ્યક્ષતામાં ટેક્સટાઈલ વિસ્તારનાં વિવિધ સંગઠનો સાથે 2 જાન્યુઆરીએ મીટિંગ મળી હતી. જેમાં ચર્ચા બાદ જાહેરનામું પ્રસિદ્ધ કરી આવાં વાહનો પર પિક અવર્સમાં પ્રતિબંધ ફરમાવાયો છે.

માર્કેટોમાં વાહનો લોડિંગ વખતે પાર્કિંગની સમસ્યા
ટેક્સટાઈલ વિસ્તારમાં પાર્કિંગની પૂરતી સમસ્યા ન હોવાને લીધે ગુડ્ઝ વાહનો જેવા કે થ્રી વ્હીલ ટેમ્પો, લોડિંગ રિક્ષા, માલ-સામાન ભરીને જતી વાન, છોટા હાથી, આઈસર ટેમ્પો, ટ્રક, લોડિંગ ફોર વ્હીલર સહિતનાં વાહનો મોટી સંખ્યામાં રસ્તા પર પાર્કિંગ કરી માલ-સામાન ખાલી કરવા તથા ભરવાનું કામ કરે છે. જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા ઉત્પન્ન થાય છે. ક્યારેક અકસ્માત થવાની સંભાવનાને નકારી શકાય નહીં.

આ તમામ જગ્યા પર પાર્કિંગ માટે પ્રતિબંધ
ન્યૂ બોમ્બે માર્કેટ ત્રણ રસ્તાથી સહરા દરવાજા તરફ, સહરા દરવાજાથી ટેક્સટાઈલ માર્કેટ, રઘુકૂળ ગરનાળાથી કમેલા દરવાજા તરફ, આંજણા બ્રિજ નીચે મિલેનિયમ માર્કેટ-2થી કમેલા દરવાજા તરફ, ભાઠેના જંક્શનથી જૂની કિન્નરી સિનેમા તરફ, રોકડિયા હનુમાન મંદિર જંક્શનથી ભાઠેના જંક્શન અને ઉધના દરવાજા તરફ, ઉધના દરવાજાથી ટેક્સટાઈલ માર્કેટ અને નવસારી બજાર તરફ, માન દરવાજાથી રૂપમ સિનેમા રોડ, કિન્નરી સિનેમાથી સહરા દરવાજા તરફ, કોહિનૂર માર્કેટથી કમેલા દરવાજા તરફ, સિન્ડિકેટ સમોસાથી રિંગ રોડ તરફ, મુંબઈ વડથી એનટીએમ માર્કેટથી સહરા દરવાજા તરફ જતા રસ્તે પિક અવર્સમાં પ્રતિબંધ ફરમાવ્યો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top