સુરત મનપાની ચુંટણી માટે હવે ટુંક સમયમાં આચાર સંહિતા જાહેર થઇ જાય તેમ છે. ત્યારે આચાર સંહિતા લાગે તે પહેલા જ વિકાસ કામોનો ધમધમાટ ચાલુ કરી દેવા માટે મનપાના તંત્રએ કમર કસી છે. જેના અંતર્ગત મનપાના વિસ્તારમાં સમાવિષ્ટ ત્રણ ટી.પી.સ્કીમોમાંથી પસાર થતા આઉટર રિંગ રોડ પૈકી સારોલી બ્રિજથી વરીયાવ પ્રથમ ખાડી બ્રિજ સુધીના 4.85 કિ.મી સુધીના આઉટર રિંગરોડ માટે ટેન્ડર બહાર પાડી દેવાયા છે. આઉટર રિંગ રોડનો અન્ય ભાગ સુડા વિસ્તારમાં હોય સુડા દ્વારા પણ કામગીરી ચાલી જ રહી છે.
સુરત મહાપાલિકાના સિટી ઇજનરે આશિષ દુબેએ જણાવ્યું હતું કે, આ પાંચ કિ.મી. જેટલા રસ્તા માટે જરૂરી પ્રક્રિયા પુરી થઇ ચૂકી છે તેથી ટેન્ડરો જાહેર કરી દેવાયા છે. અહીં 42 મીટર પહોળાઇમાં છ લેન રોડ સાકાર કરવામાં આવશે. જ્યારે રોડના વચ્ચેના ભાગમાં 12 મીટરનો ભાગ ભવિષ્યમાં બીઆરટીએસ- મેટ્રો સહિતના આયોજન માટે છોડવામાં આવશે. 4.85 કિ.મીના આઉટર રિંગરોડને ડેવલપ કરવા પાછળ 50 કરોડના ખર્ચનો અંદાજ છે.
ખરવરનગર જંકશનથી પર્વત પાટિયા જતાં બીઆરટીએસ રૂટ પર પણ ભાઠેના જંકશન પર ઓવર બ્રિજ બનાવાશે
આ સાથે ભારે ટ્રાફિકથી ખદબદતા પર્વત પાટિયાથી ખરવરનગર જંક્શનને જોડતાં ભાઠેના જંક્શન પર ઓવરબ્રિજ બનાવવા માટે પણ ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે. સુ૨તમાંથી મુંબઈ, અમદાવાદ, દિલ્હી નેશનલ હાઈવે પર જવા આવવા માટે વાહન ચાલકો મુખ્યત્વે સુરત કામરેજ તથા સુરત કડોદરા રોડનો ઉપયોગ કરે છે. તેમાં પણ ખાસ કરીને સુરત શહેરથી મુંબઈ તથા બારડોલી-વ્યારા જતાં- આવતાં વાહનો આ રૂટનો ઉપયોગ કરે છે.
વધુમાં સુ૨ત-કડોદરા રોડથી ધુલિયા નવાપુરા થઈ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ જવા આવવા પણ વાહનું ચાલકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. આ સિવાય પરપ્રાંતિયો તેઓના વતનમાં આવન-જાવન સારૂં નેશનલ હાઈ વે પર પહોંચવા આજ રૂટની બી.આર.ટી.એસ. રોડનો મુખ્યત્વે ઉપયોગ કરે છે. સ્થાનિક લોકો તેઓની દૈનિક નોકરી ધંધા વિગેરેની અવર-જવર માટે આ બી.આર.ટી.એસ. રૂટનો ઉપયોગ કરે છે. જેના કારણે આ રૂટ પર અવરજવર વધતા ટ્રાફિકનું ભારણ પણ વધ્યું છે. તેથી ખરવરનગર જંક્શનથી પર્વત પાટિયા તરફ જતા બીઆરટીએસ રૂટ પર ભાઠેના જંકશન પર ફ્લાય ઓવરબ્રિજ બનાવવાનું આયોજન કરાયું છે.