ગંદકી પર રંગરોગાનનો ઢાંકપિછોડો એ સ્વચ્છતાનો માપદંડ બનતો હોય ત્યારે માહિતી અધિકારના કાયદામાં પણ ફાયદાની વાત કોના પલ્લામાં જાય છે તેની માહિતી કોઇને મળવાની શકયતા ઓછી છે. આ લખનારનું હોમટાઉન એક સમયે સૂરતનો જ ભાગ હોઇ અંગત પ્રશ્ને આરટીઆઇના કાયદામાં ચાલતી ખો ખો ની રમત જોતાં 13 વર્ષનો અનુભવ થયો છે. બોલો.
ધરમપુર – ધીરુ મેરાઇ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
અનુભવશ્રેષ્ઠ શિક્ષક
માણસના જીવનમાં શિક્ષણનું ખૂબ મહત્ત્વ છે. શાળા, કોલેજ, યુનિવર્સિટી જેવી સંસ્થાઓમાંથી વ્યકિત શિક્ષણ મેળવે છે. આ ઉપરાંત અવલોકન, અનુભવ દ્વારા પણ વ્યકિત ઘણું બધું શીખતો હોય છે. લગભગ ચારથી પાંચ વર્ષનું એક બાળક દરિયા કિનારે એકાગ્ર બનીને પોતાના બે હાથ ફેલાવીને ધીમા પગલે માછલી પકડવા કોશિશ કરી રહ્યું હતું. વારંવાર પ્રયત્નો કરતાં કરતાં ઘણા સમય પછી એને કેટલીક માછલીઓ હાથ આવી, જેનાથી બાળકના ચહેરા પરની પ્રસન્નતા સ્પષ્ટ દેખાતી હતી. આ અનુભવ થકી બાળકમાં સહજતાથી એકાગ્રતા, ચપળતા કેળવાશે. ઉપરાંત બાળકને સમજાશે કે જીવનમાં બધી વસ્તુ આસાનીથી મળતી નથી. એને પ્રાપ્ત કરવા માટે મહેનત કરવી પડે છે તેમજ નિષ્ફળતા મળતાં નિરાશ થવાને બદલે એમાંથી શીખી પ્રયત્નો ચાલુ રાખવાથી સફળતા મળે એ વાત બાળક બહુ સારી રીતે સમજી શકશે. મોબાઇલ અને ટી.વી. ઉપર વધુ સમય પસાર કરતું બાળક નાની મુસીબતથી નાસીપાસ થઇ જતું હોય છે, પરંતુ જીવનમાં એવા અનુભવો મેળવ્યા હશે તો મોટી મુસીબતમાં પણ એ ટકી જશે.
મોવાસા – વિમલ ખલાસી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.